શ્લોક : ૪૬
त्रिपुंण्ड्ररु़द्राक्षधृतिर्येषां स्यात्स्वकुलागता ।
तैस्तु विप्रादिभि: क्वापि न त्याज्या सा मदाश्रितै: ॥ ૪૬ ॥
અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં, પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યાં આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. ॥ ૪૬ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજે શિ. શ્લોક : ૪૧માં કહ્યું છે : અમારા ભક્તજન હોય તેમણે ધર્મવંશી ગુરુથકી દીક્ષા લેવી; અને દીક્ષાના અંગભૂત, લલાટને વિષે ચાંદલે સહિત 'ઊભું તિલક' કરવું ને કંઠને વિષે 'તુલસીની' બેવડી માળા નિત્યે ધારણ કરવી, - આ તેમનો વિશેષ સિદ્ધાંત અર્થાત્ પોતાનું 'પ્રધાન વચન' છે તે પોતાના અનન્ય ભક્તોને અર્થે છે; તો પણ શિક્ષાપત્રીનો લેખ 'સર્વજીવહિતાવહ' હોઈ, શ્રીહરિજીએ પોતાનો સામાન્ય સિદ્ધાંત પણ નીચે પ્રમાણે જણાવ્યો છે :-
જે વિપ્રાદિ પોતાની કુળપરંપરાથી શિવભક્ત હોય, ને પછી તે, સત્સંગે કરીને અમારા આશ્રિત થયા હોય, પરંતુ તેમને તિલક-કંઠી-ચાંદલો વગેરે ધારણ કરવા દેવામાં તેમના સંબંધીજનો કે જ્ઞાતિજનો તરફથી વારંવાર ઉપાધિ થતી હોય, તેણે કરીને ઉદ્વેગ પામતા એવા વિપ્રાદિ ભક્તોએ ત્રિપુંડ્ર ને રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો. અર્થાત્ તે ચિહ્ન કાયમ રાખીને પણ સત્સંગમાં રહેવું; પરંતુ તેવા ઉપદ્રવથી ખેદ પામી, આત્યંતિક મોક્ષના સાધનભૂત એવા સત્સંગનો ત્યાગ કરવો નહિ. શ્રીહરિજીનો આ સામાન્ય સિદ્ધાંત છે.
વળી શ્રીજીમહારાજે સત્સંગિજીવન પ્ર. ૨, અ. ૩૭ (સંપ્રદાય પ્રકાશ) માં શિવરામ વિપ્ર પ્રત્યે કહ્યું છે કે, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને વિષે રહેલા એવા બ્રાહ્મણાદિ ત્રણ વર્ણના ભક્ત તેમણે, પોતાના કંઠને વિષે શ્રીહરિકૃષ્ણ ભગવાનની પ્રસાદી કરાવેલી એવી, ને સૂક્ષ્મ મણકાની, તુલસીના કાષ્ઠની બેવડી કંઠી, નિત્યે ધારણ કરવી. આ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રીહરિએ બ્રાહ્મણાદિકને બેવડી કંઠીનું જ વિધાન કર્યું છે, પરંતુ રુદ્રાક્ષનું વિધાન કર્યું નથી.
સદ્. મુક્તાનંદ સ્વામીએ પણ સ્તોત્રમાં કહ્યું છે કે : હું શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ, જો લોકલાજે કરીને સત્સંગીનું ચિહ્ન જે ઊર્ધ્વપુંડ્ર તિલક ને તુલસીકાષ્ઠની કંઠી ધારણ ન કરું, તો મારા શરીરને અગ્નિમાં નાખીને દહન કરી દેજો. અને જો હું જીવિકાને અર્થે ભગવાનની ભક્તિ છાની કરું, તો મારા નાક-કાનનું છેદન કરીને મને પર્વતથકી નીચે ફેંકી દેજો. - આમ શ્રીજીમહારાજ તથા તેમના મુક્તનો આ વિશેષ સિદ્ધાંત છે.