શ્લોક : ૧૩

स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्य च वा क्वचित्

मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा ॥ ૧૩ ॥

અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. ॥ ૧૩ ॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે : મારા આશ્રિતોએ મનુષ્યજાતિમાત્ર તેની હિંસા 'સર્વ પ્રકારે' એટલે મને કરીને પણ, મહા અપરાધ થયે સતે પણ ન કરવી; કારણ કે મનુષ્યદેહનું અતિ દુર્લભપણું છે અને મનુષ્યદેહે કરીને 'સર્વ પુરુષાર્થ' - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તે સિદ્ધ થાય છે. તે જો એવા મનુષ્યદેહનો નાશ થાય તો સર્વનો વિનાશ થાય; તેથી એવું કર્મ ન કરવું. પોતાને મનવાંછિત એવી સ્ત્રીની પ્રાપ્તિને અર્થે કે પોતાને ઇચ્છિત ઘણુંક દ્રવ્ય તેની પ્રાપ્તિને અર્થે, તથા ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ મનુષ્યની હિંસા ન કરવી. વળી મનુષ્યના વધને વિષે પ્રાયશ્ચિત્તનું અધિકપણું કહેલું છે, માટે મનુષ્યની હિંસા સર્વપ્રકારે ત્યાગ કરવી.

મનુષ્યને હણનારો જે પુરુષ તેને નરક ભોગવ્યા પછી પણ ફરીથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થતો નથી. આમ મનુષ્યને હણનારા પુરુષને દુરંત દુઃખની પ્રાપ્તિ થાય છે.

અને મનુષ્યની હિંસામાં પણ શ્રીજીમહારાજના એકાંતિક ભક્તનો મન-કર્મ-વચને દ્રોહ કરવો એટલે કે તેમના વિષે ખોટો સંકલ્પ કરવો તથા તેમને કષ્ટ થાય એવા વચન બોલવા કે વર્તન કરવું તે હિંસાનો અધતમ પ્રકાર છે.