શ્લોક : ૧૨૦

देशकालवयोवित्तजातिशक्त्यनुसारत: ।

आचारो व्यवहारश्च निष्कृतं चावधार्यताम् ॥ ૧૨૦ ॥

અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એ જે ત્રણ વાનાં તે જે તે, દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સાર્મથ્ય એટલાને અનુસારે કરીને જાણવાં. ॥ ૧૨૦ ॥

ભાવાર્થ

'આચાર' એટલે પ્રાત: સ્નાન કરવું વગેરે. 'વ્યવહાર' જે દેણુંલેણું આપવું-લેવું વગેરે અને 'નિષ્કૃત' જે પ્રાયશ્ચિત્ત એ બધાં, દેશ, કાળ, વય, વિત્ત, જાતિ અને શક્તિને અનુસરીને કરવાનાં જાણવાં. તેમાં 'દેશ' એટલે જ્યાં ઉપદ્રવ ન હોય તેવું સ્થળ. 'કાળ ' એટલે ઋતુ, રાજ્યબદલો, લડાઈ, અતિ-વૃષ્ટિ વગેરે. 'વય' કહેતાં બાળપણ, વૃદ્ધત્વ વગેરે. 'વિત્ત' જે દ્રવ્યસંપત્તિ. 'જાતિ' એટલે બ્રાહ્મણવર્ણ વગેરે અને 'શક્તિ' જે શરીરબળ વગેરે. - એટલાનો વિચાર કરીને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવો.