શ્લોક : ૧૦૦
शरीरकाणां भगवद्गीतायाश्चावगम्यताम् ।
रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ॥ ૧૦૦ ॥
અને શ્રી રામાનુજાચાર્યે કર્યું, એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રી ભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બે, તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. ॥ ૧૦૦ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજે 'વ્યાસસૂત્રભાષ્ય' તથા 'ગીતાભાષ્ય' ને પોતાનું અધ્યાત્મ શાસ્ત્ર કહ્યું; પરંતુ તે ઘણા જીવોના સમાસને અર્થે, શ્રીહરિએ પરોક્ષશાસ્ત્રનું પ્રતિપાદન કરેલ છે; શ્રીજીમહારાજના અનન્ય આશ્રિતને તો, શ્રીજીમહારાજનાં વચનામૃતરૂપ શાસ્ત્ર - તે જ અધ્યાત્મશાસ્ત્ર જાણવું; કેમ કે સ્વયં શ્રીજીએ જ ગઢડા પ્રથમ પ્રકરણના ૭મા વચનામૃતમાં કહ્યું છે : 'શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે, માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો.'
શ્રીહરિનાં આ વચનથી જણાય છે કે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ તેનાં સ્વરૂપનું જ્ઞાન તથા ભગવાનનું અન્વય -વ્યતિરેકપણું, સગુણ - નિર્ગુણપણું, સાકાર-નિરાકારપણું, મનુષ્યભાવ દિવ્યભાવ, પ્રત્યક્ષ-પરોક્ષભાવ, પ્રતિમાસ્વરૂપે તથા શાસ્ત્રસ્વરૂપે સદા પ્રકટપણું, વગેરે અધ્યાત્મજ્ઞાન, વચનામૃતમાં શ્રીહરિએ સ્વયં જેવી રીતે સ્પષ્ટપણે સમજાવ્યું છે, તેવું કોઈ શાસ્ત્રમાં સ્પષ્ટ જ્ઞાન જોવામાં આવતું નથી. માટે શ્રીહરિના આશ્રિતોએ તો વચનામૃત જ મુખ્ય અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું.