શ્લોક : ૫૩
पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया ।
मनसा पूजनं कार्यं तत: कृष्णस्य चाखिलै: ॥ ૫૩ ॥
અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે, મને કરીને કલ્પ્યાં જે ચંદન-પુષ્પાદિક ઉપચાર, તેણે કરીને શ્રીકૃષ્ણભગવાનની માનસીપૂજા કરવી. ॥ ૫૩ ॥
ભાવાર્થ
જે સ્ત્રીનો પતિ મરણ પામ્યો હોય તે વિધવા કહેવાય. એવી વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલમાં તિલક કે ચાંદલો ન કરવાં; કારણ કે તિલક અને ચાંદલો એ આભૂષણરૂપ હોઈ વિધવાને તે ચિહ્નો ધારણ કરવાનો નિષેધ છે.
હવે ઊર્ધ્વપુંડ્ર તિલક ને ચાંદલો કર્યા પછી શ્રીહરિના સર્વે આશ્રિતોએ શ્રીજીમહારાજની માનસીપૂજા હંમેશાં કરવી. જેની રીતે સેવાની બધી સામગ્રીઓ ભેગી કરીને, દેહે કરીને આપણે મહારાજનું પૂજન, વંદન, સેવા વગેરે કરીએ છીએ, તેવી જ રીતે મનની ભાવનાએ કરીને બધી સામગ્રીઓ એકઠી કરી, મનમાં મહારાજનું પૂજન-વંદન-સેવા કરવી તે માનસીપૂજા. જો રોમાંચિતગાત્ર અને ગદગદકંઠ થઈને પૂજા કરે તો, પ્રત્યક્ષ પૂજા અને માનસીપૂજા એ બન્નેનું સરખું ગૌરવ છે.
જે સકામભાવે માનસીપૂજા કરે છે તેમને સ્ત્રી, પુત્ર અને ધનની તત્કાળ પ્રાપ્તિ થાય છે. અને મોક્ષના માર્ગે પણ ચાલે છે અને જે નિષ્કામભાવે માનસીપૂજા કરે છે તેના મનમાં રહેલા વિષયના રાગ તથા કામ-લોભાદિક દોષ દૂર થઈ જાય છે અને શ્રીજીમહારાજને વિષે સ્નેહની વૃદ્ધિ થાય છે.
હવે આ માનસીપૂજા દિવસમાં પાંચ વાર કરવી તથા ત્રણેય ઋતુમાં અલગ અલગ રીતે કરવી. આનો વિસ્તાર 'શિક્ષાપત્રી રહસ્યાર્થ' તથા 'શિક્ષાપત્રી રહસ્યસાર : ખંડ-૧' માંથી જાણવો.