શ્લોક : ૭

एकागेणैव मनसा पत्रीलेख: सहेतुक: ।

अवधार्योऽयमखिलै: सर्वजीवहितावह: ॥ ૭ ॥

અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે, તે સર્વે તેમણે એકાગ્ર મનવડે કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વના જીવને હિતની કરનારી છે ॥ ૭ ॥

ભાવાર્થ

આ શિક્ષાપત્રી પ્રત્યક્ષાર્થ અને પરોક્ષાર્થ એમ દ્વિ અર્થવાળી છે. તેમાં પરોક્ષાર્થ તે સામાન્ય સિદ્ધાંત છે એટલે સર્વ જનને હિતકારી છે. અને પ્રત્યક્ષાર્થ જે વિશેષ સિદ્ધાંત કહેતાં મુખ્ય સિદ્ધાંત તે પોતાના અનન્ય એવા એકાંતિક ભક્તને અર્થે છે; માટે સ્વસ્થ ચિત્તે આ શિક્ષાપત્રીને ધારે-વિચારે, તેમ જ પ્રત્યક્ષ શ્રી હરિકૃષ્ણ મહારાજના ઉપાસક એવા મોટા સત્પુરુષનો સમાગમ રાખે તો જ શિક્ષાપત્રી લખ્યાનું કારણ સમજાય, નહિતર ન સમજાય.

અને આ શિક્ષાપત્રીનાં વચન તે 'એકાગ્ર મનવડે' ધારવાં. એટલે કે અવ્યગ્ર મનથી ધારવાં; બીજા કાર્યમાં મન જતું હોય અર્થાત્ વ્યગ્ર મન હોય, તો વચન ધારેલાં તે ન ધાર્યાં બરોબર થઈ જાય. વળી મનની એકાગ્રતા દુર્લભ છે, માટે એકાગ્ર મનવડે જ આ શિક્ષાપત્રીનાં વચનો ધારજો એમ ભારપૂર્વક શ્રીહરિએ કહ્યું છે.