શ્લોક : ૭૫

गुह्यवार्ता तु कस्यापि प्रकाश्या नैव कुत्रचित् ।

समदृष्ट्या न कार्यश्च यथार्हार्चाव्यतिक्तम: ॥ ૭૫ ॥

અને કોઈની પણ જે ગુહ્યવાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ. અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી જ રીતે સન્માન કરવું, પણ સમદૃષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. ॥ ૭૫ ॥

ભાવાર્થ

સ્ત્રી, પુરુષ કે નપુંસક કોઈની પણ 'ગુહ્યવાર્તા' એટલે બીજાથી છાની રાખવા જેવી જે વાત હોય તે પ્રકાશ કરવી નહિ; કેમ કે તે ગુહ્યવાર્તા પ્રકાશ કરવામાં એક તો કોઈએ છાની વાત વિશ્વાસથી કહી હોય તે પ્રકટ કરવામાં વિશ્વાસઘાતનું પાપ લાગે; બીજું, ચાડિયાપણાનું અને ત્રીજું, સામાની ગુપ્ત વાત ઉઘાડી થતાં તેના હૃદયને જે આઘાત - દુઃખ થાય તેથી, પરાયા દ્રોહનું પાપ લાગે. જો ખરેખર સામાના દોષ સુધારવાની ભાવના હોય તો હિતબુદ્ધિથી પ્રેમપૂર્વક એકાંતમાં સૂચન કરવું, પણ તેને ફજેત ન કરવો.

અને સમદૃષ્ટિ એટલે કે, સર્વને વિષે એક જ બ્રહ્મ છે એ પ્રકારની બુદ્ધિ રાખીને, પૂજાસેવાના યથાયોગ્ય વિવેકનું ઉલ્લંઘન કરવું નહિ; કારણ કે સારા અને નરસા પુરુષોનો સરખો સત્કાર કરવામાં આવે તો સત્-અસત્ના વિવેકનો નાશ થઈ જાય. સ્વધર્મનિષ્ઠમાં જ્ઞાનનિષ્ઠ એવા ભગવાનના એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે અને તે ભગવાનના એકાંતિક ભક્તથકી કોઈ પણ શ્રેષ્ઠ નથી; કેમ કે, ભગવાન એકાંતિક ભક્તને વિષે સદાય નિવાસ કરીને રહે છે. આ પ્રકારે તરતમપણું જાણીને શ્રીહરિના એકાંતિક ભક્તને બહુ પ્રકારે માનવા. જે પુરુષ એ પ્રકારે નથી જાણતો અને સત્-અસત્ને વિષે સરખી બુદ્ધિ રાખે છે તે મોટા દોષને પામે છે. તે હેતુ માટે ભગવાનના ભક્તે આવો વિવેક સમજવો.