શ્લોક : ૮

ये पालयन्ति मनुजा: सच्छास्त्रप्रतिपादितान् ।

सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखा: ॥ ૮ ॥

અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સચ્છાસ્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસાદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહા સુખિયા થાય છે; ॥ ૮ ॥

ભાવાર્થ

જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ તેમના સ્વરૂપને સમ્યક્ પ્રકારે પ્રતિપાદન કરનારાં એવા સત્સંગિજીવન, હરિવાક્યસુધાસિંધુ, શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત આદિ શ્રીહરિના સંબંધવાળા સચ્છાસ્ત્રોને વિષે પ્રતિપાદન કરેલા અને ગૃહસ્થાશ્રમ તથા ત્યાગાશ્રમને વિષે રહેલા એવા પુરુષો તેમ જ સ્ત્રીઓ તેમણે પોતાના અધિકાર પ્રમાણે પાલન કરવા માટે ઉપદેશ કરેલા એવા 'સદાચાર' જે શ્રીજીમહારાજની આજ્ઞારૂપ સ્વધર્મ તેનું નિરંતર પાલન કરે છે તે મનુષ્યો આ લોક તથા પરલોકને વિષે મૂળઅક્ષરકોટીનાં સુખથકી પણ અધિક એવું શ્રીજીમહારાજના ધામને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તેને પામે છે - એવા મહા સુખિયા થાય છે.