શ્લોક : ૧૪૦
यथाशक्त्युद्यम: कार्यो निजवर्णाश्रमोचित: ।
मुष्कच्छेदो न कर्तव्यो वृषस्य कृषिवृत्तिभि: ॥ ૧૪૦ ॥
અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ, તે પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવો. અને કૃષિવૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. ॥ ૧૪૦ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિતોએ પોતાના વર્ણ જે બ્રાહ્મણાદિ ને આશ્રમ એટલે અહીં એક ગૃહસ્થાશ્રમ જ, તેને અનુરૂપ 'ઉદ્યમ' જે પોતપોતાની વૃત્તિને અનુસરીને ધન કમાવું તે, યથાશક્તિ કરવો. યથાશક્તિ એટલે પોતાના સાર્મથ્યમુજબ ઉદ્યમ કરવો, પણ પોતાથી અધિક કે ઓછા બળવાળાનો વાદ ન લેવો. નિરુદ્યમી રહેવાથી, અર્થપ્રાપ્તિ ન થતાં મહાસંકટ આવી પડે અને લોકોમાં હાંસીપાત્ર થવાનો તથા માનભંગ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, ને છેવટે મૂંઝાઈને આપઘાત કરવા સુધીનો અનર્થપ્રસંગ ઉપસ્થિત થવા પામે. વિવેકબુદ્ધિવાળા પંડિતો, ન પ્રાપ્ત થઈ શકે એવી દુર્લભ વસ્તુની ઇચ્છા કરતા નથી, ખોવાઈ ગયેલી વસ્તુનો શોક કરતા નથી અને આપત્તિકાળમાં પણ મૂંઝાતા નથી. વળી મનુષ્ય જેમ જેમ ધન મેળવે છે, તેમ તેમ તેનો દ્રવ્યલોભ વધતો જાય છે. માટે તૃષ્ણાનો ત્યાગ કરી, ઘટિત હોય તેટલો જ ઉદ્યમ કરવો.
અહીં જે 'ઉદ્યમ' શબ્દ છે તે માત્ર વ્યાવહારિક ઐહિક સુખ માટેનો છે - એમ ન સમજવું; પરંતુ દેહ પડ્યા પછી, પરલોકમાં પોતાના જીવાત્માનું શ્રેય થાય એવો ઉદ્યમ પણ કરવો.
આખો દિવસ એવું કામ કરવું કે જેથી રાત્રે સુખેથી ઉંઘ આવે, તેમ જ સંકલ્પરહિત ધ્યાનભજન થઈ શકે. આઠ મહિના એવું કામ કરવું કે ચોમાસાના ચાર મહિનામાં ધ્યાન, ભજન, સત્સંગ વગેરે, પોતાના આત્માના શ્રેયનું કાર્ય સુખેથી કરી શકાય. વળી પૂર્વ અવસ્થામાં એવું કામ કરવું કે વૃદ્ધાવસ્થા સુખમાં જાય. અને જીવતાં સુધી એવું કામ કરવું કે મરીને સુખી રહેવાય; અર્થાત્, પરમાત્માના સુખે સુખી થવાય.
અને શ્રીહરિના જે આશ્રિતો ખેતીથી પોતાનો નિર્વાહ કરતા હોય તેમણે આખલાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. કારણ કે જે પુરુષ બળદિયાના વૃષણનો ઉચ્છેદ કરે છે અથવા બીજા પાસે કરાવે છે, તે પુરુષના વંશનો નિશ્ચે વિનાશ થાય છે. માટે હીન અંગવાળો જે ખોડો-લૂલો, થોડા બળવાળો, થાકી ગયેલો, રોગાતુર, ક્ષુધાતુર, દુર્બળ શરીરવાળો, વૃદ્ધ અને અંધ-એવા બળદને ખેતીમાં જોડવો નહિ. પણ દૃઢ અંગવાળો, રોગરહિત, ઘાસ-જળાદિકથી તૃપ્તિને પામેલો, વૃષણોચ્છેદે ર્વજીત, નપુંસક નહિ તેવો, પુષ્ટ અવયવવાળો, બલિષ્ઠ અને યુવાનીના મદવડે મત્ત-એવા વૃષભને ખેતીમાં જોડવો.