શ્લોક : ૫૦
उपविश्यैव चैकत्र कर्तव्यं दन्तधावनम् ।
स्नात्वा शुच्यम्बुना धौते परिधार्ये च वाससी ॥ ૫૦ ॥
અને પછી એક સ્થાનકને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. ॥ ૫૦ ॥
ભાવાર્થ
શૌચ કર્યા પછી એક સ્થાને બેસીને દાતણ કરવું. માટે ગાળેલા પાણીનું પાત્ર પ્રથમથી સાથે લઈને દાતણ કરવા બેસવું. પ્રથમ, પાણીથી દાતણ ધોઈ નાખી તેને મોંમાં લઈ કૂચો કરી દંતશુદ્ધિ કરવી; ને તે કૂચાને ગાળેલા પાણીથી ધોયા પછી ચીર કરી, ઊલ ઉતારી, દાતણની ચીર ગાળેલા પાણીથી ધોઈને ફેંકી દેવી; અને બાર કોગળાથી મુખશુદ્ધિ કરવી. જ્યારે કાષ્ઠનું દાતણ મળી શકે નહિ, ત્યારે ઉલિયાથી જીભશુદ્ધિ કરી ગાળેલા પાણીથી બાર કોગળાવડે 'દંતધાવન' અર્થાત્ મુખશુદ્ધિ કરવી. દંતધાવન કર્યા પછી 'પવિત્ર જળથી' સ્નાન કરવું. નદીમાં, સરોવરમાં, તળાવમાં તથા વાવમાં અગર કૂવામાંના શીતળ જળવડે નિત્ય સ્નાન કરવું તેને ઉત્તમ સ્નાન કહેલું છે. અશક્ત મનુષ્યો શીતજળથી સ્નાન ન કરી શકે, તેવાઓએ ઉષ્ણોદકથી સ્નાન કરવું. ને પછી ધોયેલાં બે વસ્ત્ર, તેમાં એક ધોયેલું વસ્ત્ર પહેરવું ને બીજું એક ધોયેલું વસ્ત્ર ઓઢવું. તેમાં ઓઢવાનું ઉત્તરિય વસ્ત્ર તે પહેરવાના 'કટિવસ્ત્ર' કરતાં માપમાં અર્ધું જોઈએ. વળી તે વસ્ત્રો પવિત્ર હોવા જોઈએ. સુતરાઉ, રેશમી, ઊનનાં, શણનાં, કે બીજાં કોઈ પણ વસ્ત્રો, જો મેલાં હોય તો તે ધોયા પછી જ ઉપયોગમાં લેવા. કારણ કે ધોયેલાં સ્વચ્છ વસ્ત્રોથી સત્ત્વગુણ ઉદય થાય છે ને મનને એકાગ્ર કરવામાં સહેલું પડે છે.