શ્લોક : ૭૭
विष्णो: कथाया: श्रवणं वाचनं गुणकीर्तनम् ।
महापूजा मन्त्रजप: स्तोत्रपाठ: प्रदक्षिणा: ॥ ૭૭ ॥
અને તે વિશેષ નિયમ તે કિયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી ॥ ૭૭ ॥
ભાવાર્થ
ચાતુર્માસમાં જે વિશેષ નિયમ લેવાના કહ્યા તે વિશેષ નિયમ કયા? તે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની કથા તે ધર્મભક્તિનિષ્ઠ એવા ભગવદ્ભક્તના મુખથી સાંભળવી. પણ કામાદિ અંતઃશત્રુઓથી દગ્ધ ચિત્તવાળા ને ભગવદ્ભક્તિએ રહિત એવા વક્તાના મુખથકી ક્યારેય પણ ન સાંભળવી. જે ભગવદ્ભક્ત હોય, બાહ્ય - આભ્યંતર શૌચે યુક્ત હોય, બાહ્ય-આભ્યંતર ઇંદ્રિયજીત હોય, મદ-મત્સર રહિત હોય, સાધુતા તેમ જ કરુણા યુક્ત હોય, તથા જે કથા અસ્ખલિત વાંચતા હોય, દ્રવ્યાદિક પદાર્થના લોભે રહિત હોય - એમના મુખથકી કથા સાંભળવી. અને તે કથા સાંભળતાં તે સિવાય બીજા કાર્યમાં આસક્તિ ન રાખવી તથા મૌનવ્રત ધારી, બાહ્ય - આભ્યંતર શુદ્ધ રહી, અવ્યગ્ર ચિત્ત એટલે કે સાવધાન મનથી શ્રદ્ધાભક્તિએ સહિત કથા સાંભળવી. વળી કથાશ્રવણ સમયે મસ્તકે પાઘડી-સાફો-ટોપી વગેરે ન રાખવા, વીરાસન કરીને કે વસ્ત્રથી ઢીંચણને બાંધીને ન બેસવું તથા પાનસોપારી ન ચાવવી.
આમ કથાશ્રવણનો આ પહેલો નિયમ થયો. હવે આવી કથા તે શ્રોતાઓને સંભળાવવી એ બીજો નિયમ; શ્રીહરિજીના નામનું કીર્તન તથા તેમના સંતોએ રચેલા પદો ગાવવા - એ ત્રીજો નિયમ; પંચામૃત સ્નાન, મહા અભિષેક, મહા નૈવેદ્ય તથા મહા નીરાજનાદિ સહિત શ્રીહરિની 'મહાપૂજા' કરવી - એ ચોથો નિયમ; 'સ્વામિનારાયણ' એ ષડક્ષર મહામંત્રનો 'જપ' કરવો એ પાંચમો નિયમ; શ્રીજીમહારાજના જનમંગલ, સર્વમંગલ, વિશ્વમંગલ, શ્રીહરિકવચ, શ્રી પુરુષોત્તમકવચ આદિ સ્તોત્રનો પાઠ કરવો એ છઠ્ઠો નિયમ તથા પ્રતિમાસ્વરૂપ એવા શ્રી સહજાનંદ સ્વામી તેમને પ્રદક્ષિણા કરવી એ સાતમો નિયમ છે.