શ્લોક : ૪

मुकुंदानंदमुख्याश्च नैष्ठिका ब्रह्मचारिण: ।

गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रया: ॥ ૪ ॥

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી. ॥ ૪ ॥

ભાવાર્થ

મન, કર્મ અને વાણીથી સર્વ અવસ્થાઓમાં સર્વદા સર્વ ઠેકાણે મૈથુનનો ત્યાગ તેને બ્રહ્મચર્ય કહે છે. આવું બ્રહ્મચર્ય જે યાવજ્જીવન પાળે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય અને અમુક અવધિ સુધી બ્રહ્મચર્યવ્રત પાળનાર 'ઉપકુર્વાણક' કહેવાય. શાસ્ત્રોમાં કળિયુગમાં દીર્ઘ બ્રહ્મચર્યનો નિષેધ કર્યો છે તે તો પ્રકટ ભગવાનના આશ્રયના બળરહિત હોવાથી જે અશક્ત- દુર્બળ હોય ને જેણે મન જીત્યું ન હોય તેને સ્ત્રીનાં દર્શન વગેરેથી વિકાર ઉત્પન્ન થતો કવચિત્ દેખાય છે, પરંતુ શ્રીજીના આશ્રિત એવા શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ ગુરુના અનુગ્રહથી જેને ધૈર્ય પ્રાપ્ત થયું હોય તેને વિષે અને શ્રીહરિએ કહેલા ત્યાગીના ધર્મ પાળવામાં તત્પર એવા ભગવદ્ભક્તોને વિષે કામાદિ દોષ કે કળિયુગનું બળ ચાલતું નથી. વળી પ્રત્યક્ષ શ્રી હરિકૃષ્ણ ભગવાન તેમણે કહેલો એવો ધર્મ અને ભક્તિ તેના બળવાળા એવા જે નૈષ્ઠિકવ્રતધારી ભક્તજનોનું રક્ષણ શ્રીહરિ સ્વયં, તેમ જ પોતાના મુક્તો દ્વારા સર્વપ્રકારે કરે છે.

હવે આ શ્લોકમાં ગૃહસ્થ સત્સંગીઓ કરતાં મુકુંદાનંદાદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો નામ નિર્દેશ પહેલાં કર્યો છે, એનો હેતુ એમ જણાય છે કે તેઓ યાવજ્જીવન બ્રહ્મચર્યને વરેલા હોવાથી, કરવામાં આવતા ઉપદેશને તત્કાળ અતિ શીઘ્રતાથી ધારણ કરી શકે છે; અને અંતઃકરણ શુદ્ધ રાખવાથી તે ઉપદેશ તેમનામાં કાયમ રહે છે. આવું નૈષ્ઠિકપણું એમનામાં છે તેથી જ કવચિત્ જાણે-અજાણે એમનાથી પાપકર્મ થઈ જાય તો એમને ગૃહસ્થાશ્રમીઓ કરતાં બમણું પ્રાયશ્ચિત્ત કહેલું છે.

અને ગૃહસ્થાશ્રમીઓમાં મયારામ ભટ્ટ જે બ્રાહ્મણ છે તેઓ કેવળ જાતિએ જ નહિ, પણ ગુણે ને કર્મે પણ બ્રાહ્મણ છે તેથી તેમનું નામ મુખ્યપણે લખ્યું છે તેનું એક કારણ એ પણ છે કે એવા બ્રાહ્મણમાં સત્ત્વગુણ પ્રધાન હોય જેથી ઉપદેશવામાં આવતા જ્ઞાનને ગ્રહણ કરવામાં એમની અતિ શિઘ્રતા હોય છે.

વળી આ શ્લોકમાં 'ये मदाश्रयाः' પદ છે એ ઉપરથી એટલું સ્પષ્ટ જણાય છે કે શ્રીજીમહારાજ પોતાના આશ્રિત - શિષ્યો પ્રત્યે આ શિક્ષાપત્રી લખે છે. શાસ્ત્રમાં ગુરુને અતિ દયાળુ કહ્યા છે તેથી જ તેમના કોઈ પણ શિષ્યે શિક્ષાપત્રી લખવાની પ્રાર્થના ન કરી હોવા છતાં શિક્ષાપત્રી લખીને શ્રીહરિએ પોતાના આશ્રિતોનું અપ્રેરિત હિત કર્યું છે.