શ્લોક : ૧૫૯

सभर्तृकाभिर्नारीभि: सेव्य: स्वपतिरीशवत् ।

अन्धो रोगी दरिद्रो वा षण्ढो वाच्यं न दुर्वच: ॥ ૧૫૯ ॥

હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ: અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમણે, પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. ॥ ૧૫૯ ॥

ભાવાર્થ

સધવા સ્ત્રીઓ એટલે જેમના પતિ જીવતા હોય તેવી સ્ત્રીઓ. શ્રીહરિની આશ્રિત એવી સધવા સ્ત્રીઓને પોતાના પતિની સેવા કરવી - એ જ મુખ્ય ધર્મ છે. દૈવયોગે પતિ કદાચ આંધળો, રોગિષ્ટ, દરિદ્ર હોય કે થાય અથવા નપુંસક હોય, તો પણ પોતાના પતિને પરમેશ્વર તુલ્ય ગણીને સેવવો. અને પતિના વચન પ્રમાણે જ ચાલવું - એ જ એમનો શ્રેષ્ઠ ધર્મ છે. વળી પતિએ તિરસ્કાર કર્યો હોય તો પણ પતિનો તિરસ્કાર કરે નહિ; કિંતુ મધુરભાષિણી થાય. પતિ તાડન કરે તો પણ પ્રસન્ન રહે; પરંતુ કોપ કરે નહિ, વળી તે પતિવ્રતા સ્ત્રીએ પોતાના ગૃહદ્વાર મધ્યે બહુવેળા ઊભા રહેવું નહિ; પતિ સામે ઉચ્ચ સ્વરથી કદાપિ બોલવું નહિ અને પોતાના પતિ તથા તેના બંધુઓ પર દ્વેષ ન કરવો.