શ્લોક : ૧૬૨
भूषासदंशुकधृति: परगेहोपवेशनम् ।
त्याज्यं हास्यादि च स्त्रीभि: पत्यौ देशान्तरं गते ॥ ૧૬૨ ॥
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે, પોતાનો પતિ પરદેશ ગયેસતે, આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય-વિનોદાદિકનો ત્યાગ કરવો. ॥ ૧૬૨ ॥
ભાવાર્થ
શ્રીહરિની આશ્રિત એવી સધવા સ્ત્રીઓએ પોતાનો પતિ પરદેશ ગયેસતે, સુવર્ણના અલંકારાદિકથી પોતાના શરીરની શોભા કરવી તથા બહુ મૂલ્યવાળાં જે વસ્ત્રો, તે ધારણ કરવા વગેરેનો પણ ત્યાગ કરવો. વળી પારકે ઘેર બેસવા જવાના પ્રસંગનો ત્યાગ કરવો, તેમ જ ખડખડાટ હસવું, જનસમૂહનું દર્શન કરવું - ઇત્યાદિ પણ ત્યજવું.
અને સધવા સ્ત્રીઓએ પાળવાનો જે પતિવ્રતાનો ધર્મ તે પણ ભગવાનની નવધા ભક્તિએ રહિત અને નવધા ભક્તિએ સહિત એમ બે પ્રકારનો કહ્યો છે. તેમાં ભગવાનની ભક્તિરહિત પતિવ્રતાના ધર્મપાલનનું ફળ સતીલોકમાત્રની પ્રાપ્તિરૂપ કહ્યું છે; જ્યારે ભગવાનના સંબંધે સહિત પતિવ્રતાધર્મના પાલનનું ફળ અક્ષરધામની પ્રાપ્તિરૂપ ક્હ્યું છે.