શ્લોક : ૬૧

सर्वैरशक्तौ वार्धक्याद्गरीयस्यापदाथवा ।

भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्त्यं यथाबलम् ॥ ૬૧ ॥

અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે, વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપત્કાળે કરીને, અસમર્થપણું થઈ ગયે સતે, પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને, પોતે પોતાના સાર્મથ્ય પ્રમાણે વર્તવું. ॥ ૬૧ ॥

ભાવાર્થ

વૃદ્ધપણાને લીધે પૂજન આદિનું સાર્મથ્ય ન રહે, અથવા ઘડપણ વિના પણ અસાધ્ય કે દીર્ઘ રોગ થયો હોય, કે દેશભંગ-એ વગેરે ઉપદ્રવમાં પૂજનાદિ બની શકે તેમ ન હોય ત્યારે, 'બીજા ભક્તને' એટલે જેમને પૂજાની અનુકૂળતા હોય તેમને; પોતાને સેવવા યોગ્ય એવું જે, પોતાના ઇષ્ટદેવ જે શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુનું સ્વરૂપ અથવા શાલગ્રામ તે, પ્રાર્થના-વિનયપૂર્વક આપીને પોતાને દેશ, કાળ, વય તથા સાર્મથ્યને અનુસરીને વર્તવું; એટલે બાહ્યપૂજન થઈ શકે તેમ ન હોય તો મનવડે કરીને શ્રીહરિની માનસીપૂજા કરવી.