શ્લોક : ૧૯૧
न च सड;घं विना रात्रौ चलितव्यमनापदि ।
एकाकिभिर्न गन्तव्यं तथा क्वापि विनापदम् ॥ ૧૯૧ ॥
અને એ સાધુ તેમણે આપત્કાળ પડ્યા વિના રાત્રીને વિષે સંઘસોબત વિનાનું ચાલવું નહિ. તથા આપત્કાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ. ॥ ૧૯૧ ॥
ભાવાર્થ
વળી તે ત્યાગી સાધુઓએ આપત્તિ સિવાય ઘણા પુરુષોના સંગાથ વિના રાત્રે બીજે ગામ જવું નહિ. તેમ જ આપત્તિ વિના, એકલા પણ, કોઈ પણ સ્થાને જવું નહિ. તથા દુષ્ટ માણસો સાથે ચાલવું નહિ પણ નિંદિત, તેમ જ ગુપ્તમાર્ગથી ગામમાં પ્રવેશ કરવો નહિ.
હવે શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધમાં : ઘણાં મનુષ્ય ભેગાં વસતાં હોય તો, ત્યાં કજિયો થવાનો સંભવ રહે છે; અને બે જણા ભેગા રહે તો, ત્યાં ગ્રામ્યવાર્તા થવાનો સંભવ રહે છે. માટે ત્યાગીએ તો એકલા જ રહેવું - એમ કહ્યું છે તે કલહ અને ગ્રામ્યવાર્તા થવાના હેતુરૂપ જે દુર્જનનો સંગ તેનો નિષેધ કર્યો છે; પરંતુ ભગવાનના ભક્ત એવા જે સાધુ, તેમના સમાગમનો નિષેધ કર્યો નથી. તે શ્રીહરિ ગ.મ.પ્ર. ૪૮મા વચનામૃતમાં કહે છે : "અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે, આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો - એમ ઇચ્છીએ છીએ." એમ સંતનો મહિમા કહ્યો છે.
માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણની સેવામાં રહેવા ઉત્સુક, એવા ત્યાગી સંત-બ્રહ્મચારીઓએ સત્સંગના મધ્યમાં રહેવું, કે જેથી એકબીજાના સમાગમથી ધર્મ પણ સહેજે રહે, ને સત્પુરુષના સમાગમથી જ્ઞાનપણ થાય અને ઉર્મિઓ પણ જિતાય.
આમ, આ શ્લોકમાં કહ્યા પ્રમાણે ત્યાગીઓએ ભગવદેકાંતિક શ્રીહરિના આશ્રિત એવા ત્યાગીની જોડમાં ચાલવું, પરંતુ ભરતજીની માફક એકલા વિચરવું નહિ; શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે જ આવી પ્રણાલિકા બાંધી છે. માટે તે પ્રમાણે વર્તવું.