શ્લોક : ૨૦૮-૨૦૯
शिक्षापत्र्या: प्रतिदिनं पाठोऽस्या मदुपाश्रितै: ।
कर्तव्योऽनक्षरज्ञैस्तु श्रवणं कार्यमादरात् ॥ ૨૦૮ ॥
અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવો; અને જેને ભણતાં આવડતું ન હોય તેમણે તો, આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. ॥ ૨૦૮ ॥
वक्त्रभावे तु पूजैव कार्याऽस्या: प्रतिवासरम् ।
मद्रुपमिति मद्वाणी मान्येयं परमादरात् ॥ ૨૦૯ ॥
અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો, નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી; અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે - એ રીતે પરમ આદરથકી માનવી. ॥ ૨૦૯ ॥
ભાવાર્થ
શ્રીહરિના શિષ્ય એવા ભક્તજનોએ દરરોજ આ શિક્ષાપત્રીનો પાઠ નિયમથી કરવો અને જેમને અક્ષરજ્ઞાન ન હોય કે સ્પષ્ટ ઉચ્ચાર કરતાં ન આવડતો હોય તેમણે તો, પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને જો વક્તાનો પણ અભાવ હોય તેવા સમયે, જેવા મળી આવે તેવા ઉપચારો વડે, આ શિક્ષાપત્રીની દરરોજ પૂજા કરવી. એ ત્રણમાંથી જેને ફેર પડે છે તેણે એક ઉપવાસ કરવો.
અને શિક્ષાપત્રીરૂપી, શ્રીહરિએ કહેલા ધર્મને પ્રકાશ કરનારી વાણીરૂપ આ ગ્રંથ; તે શ્રીહરિની મૂર્તિ જ છે - એમ પરમ આદરથી માનવી.
આમ શિક્ષાપત્રી પોતાને મહત્તર ઇષ્ટ છે - એમ શ્રીહરિએ પોતે જ, આ બે શ્લોકમાં સ્પષ્ટ વિધાન કર્યું છે. માટે પ્રકટના ઉપાસકને તો, પ્રકટનાં ચરિત્ર તથા પ્રકટ શ્રીહરિના સંબંધવાળાં શાસ્ત્ર-એનું જ વાંચન, શ્રવણ, પૂજન વગેરે પ્રિય લાગે ને એ જ પતિવ્રતાનો ધર્મ છે ને શ્રીજીમહારાજને પણ એ જ ઇષ્ટ છે.