શ્લોક : ૧૦૩

धर्मो ज्ञेय: सदाचार: श्रुतिस्मृत्युपपादित: ।

माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे ॥ ૧૦૩ ॥

અને શ્રુતિ - સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો. અને શ્રીકૃષ્ણભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. ॥ ૧૦૩ ॥

ભાવાર્થ

પ્રકટ પુરુષોત્તમ શ્રીજીમહારાજનાં વચનામૃત એ જ શ્રુતિઓ જાણવી. અને એમની આજ્ઞાથી એમના મુક્તોએ રચેલ શાસ્ત્ર તથા કાવ્યકીર્તન તે સર્વે સ્મૃતિઓ જાણવી; એટલે એ બંનેએ પ્રતિપાદન કરેલો ને ગોપાળાનંદ સ્વામી તથા દાદાખાચર આદિ મોટા મુક્તોએ આચરણમાં મુક્યો હોય તેવો જે સદાચાર તે જ ધર્મ જાણવો. અને આવો જે ધર્મ તે શ્રીજીમહારાજના સંબંધ થકી અર્થાત્ તેમનો આશ્રય કરવાથી 'એકાંતિક ધર્મ' કહેવાય છે. અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેમાં શ્રીજીમહારાજને અખંડ ધારવા - એ જ આ એકાંતિક ધર્મનું ફળ છે. અને કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો આ એકાંતિક ધર્મ એટલે ભાગવત ધર્મથી અતિશય ગૌણ છે. અને તેનું ફળ પણ નાશવંત છે, જ્યારે ભાગવત ધર્મે કરીને તો જીવ ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે.

અને અનંત દિવ્યગુણ - ઐશ્વર્યયુક્ત એવા શ્રી હરિકૃષ્ણ ભગવાનને વિષે, માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.શ્રી સ્વામિનારાયણ ભગવાન જે મારા ઇષ્ટદેવ છે; તે જ પોતે અનંતકોટી અનાદિમુક્ત તથા પરમ એકાંતિક મુક્ત તે સર્વના સ્વામી, સુખદાતા ને નિયંતા છે. અને અક્ષરકોટી, બ્રહ્મકોટીને મહામાયા તથા મહાપુરુષની કોટી એ સર્વેને વિષે પોતાના પ્રકાશે કરી પ્રવેશ કરીને તેમને પ્રકાશમાન કરે છે. તેમ જ એ સર્વેથી પર પોતાના અક્ષરધામમાં દિવ્ય મૂર્તિમાન રહ્યા છે - એવા શ્રીહરિજી તે કેવળ કૃપા કરી, મનુષ્યરૂપ ધારણ કરીને મારી સેવા અંગીકાર કરે છે. આવું માહાત્મ્યજ્ઞાન સમજી, અતિ સ્નેહે કરીને શ્રીજીમહારાજની સેવા કરવી ને તેણે કરીને શ્રીહરિના સ્વરૂપમાં સર્વે ઇંદ્રિયોની વૃત્તિ અખંડ રહે, એ જ પ્રેમસ્વરૂપ ભક્તિ છે.

અને ભગવાન સમક્ષ કે ભગવાનના મંદિરમાં કોઈ પણ ક્રિયાએ કરીને ઉદ્ધતાઈનું પ્રદર્શન કરવું કે અસભ્ય વર્તન કરવું તથા ભગવદ્ભક્તમાં, વિપરિત દોષ પરઠવો કે તેનો દ્રોહ થાય તેવું આચરણ કરવું - આ સર્વે ભક્તિમાર્ગમાં અપરાધો માનેલા છે. વળી શ્રીહરિની ભક્તિ તે શ્રદ્ધાએ સહિત અને માન તથા ઈર્ષાએ રહિત કરવી; તેમાં પણ માનના આશ્રયે ક્રોધ, ઈર્ષા, દ્રોહ તથા મત્સર રહેલાં છે અને માની ભક્તની ભક્તિ પણ શાસ્ત્રમાં આસુરી કહેલી છે. માટે આવા દોષ ત્યજી, કેવળ પોતાના મોક્ષને માટે નિષ્કામ એવી શ્રીહરિની માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિ કરવી.