શ્લોક : ૧૫
न भक्ष्यं सर्वथा मांसं यज्ञशिष्टमपि क्वचित् ।
न पेयं च सुरामद्यमपि देवनिवेदितम् ॥ ૧૫ ॥
અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું; અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય, તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. ॥ ૧૫ ॥
ભાવાર્થ
શ્રીહરિ કહે છે : મારા આશ્રિત સત્સંગીઓ મોક્ષમાર્ગને વિષે રહેલા છે. તેથી તેમને હિંસામય યજ્ઞનો સર્વપ્રકારે અભાવ છે; તો પણ કોઈક સ્થાનને વિષે 'યજ્ઞનું શેષ' એટલે કે બીજા મનુષ્યે કરેલો સોમાદિક યજ્ઞ, તેમાં અથવા શ્રાદ્ધમાં, દેવ અને પિતૃના યજન કરતાં અવશેષ રહેલું એવું માંસ તે ‘सर्वथा’ એટલે પોતાની ઇચ્છાએ કરીને, વા રસાસક્તિએ કરીને, વા દેવ અને પિતૃના પ્રસાદીના મહાત્મ્યે કરીને, વા સ્નેહ-સંબંધનું ગૌરવપણું તેણે કરીને અથવા ગુરુની આજ્ઞાએ કરીને પણ 'ભક્ષણ કરવું નહિ;' કહેતાં તેનો આસ્વાદ પણ ન લેવો; કારણ કે હિંસા કરનાર દુરાચારી પુરુષને આ લોકમાં ને પરલોકમાં ક્યારેય સુખ થતું નથી અને એ હિંસામાં કેવળ હિંસા કરનારો જ નહિ, પણ હિંસાની અનુમતિ આપનારો, હિંસા માટે પ્રાણીને લાવનાર, માંસને વેચનાર તથા ખરીદનાર, માંસને સુધારનાર, રાંધનાર તથા ખાનાર-આ બધા જ હિંસાના ભાગીદાર થાય છે.
હવે ગૃહસ્થને ખાંડણિયો, ઘંટી, ચૂલો, પાણિયારું અને સાવરણી એ પાંચ હિંસાસ્થાનો છે. તે સ્થાનોએ થતી હિંસાના દોષની નિવૃત્તિને અર્થે શ્રીહરિએ પાંચ મહાયજ્ઞ કરવાનું કહેલું છે તે : 'બ્રાહ્મ' કહેતાં પોતાના ઇષ્ટદેવ ભગવાન સંબંધી ગ્રંથાદિ, તેનું કથાવાર્તાદિકનું પઠન-પાઠન, શ્રવણ-મનન વગેરે કરવું તે 'બ્રાહ્મયજ્ઞ'. 'દૈવ' કહેતાં 'માનસીપૂજા, તથા મૂર્તિપૂજા કરવી અને ધ્યાન કરવું તે 'દૈવયજ્ઞ'. 'માનુષ' એટલે સાધુ તથા ભગવદ્ભક્તનું આતિથ્ય કરવું તે 'માનુષયજ્ઞ'. 'ભૌતિક' કહેતાં ગરીબ સ્વભાવવાળા ભક્તો તથા ગાયો વગેરેનું રક્ષણ કરવું તે 'ભૌતિકયજ્ઞ'. અને 'પૈત્ર' એટલે શ્રાદ્ધકર્મ કરવું તે 'પૈત્રયજ્ઞ'. આમ પાંચ મહાયજ્ઞ કરવા.
વળી મૂળશ્લોકમાં -‘न पेयं च सुरामद्यमपि देवनिवेदितम्' એમ કહ્યું છે. તેમાં देवाय કહેતાં કોઈક જન તેમણે ઇષ્ટદેવપણે માનેલ કાળિકાદેવી અને કાળભૈરવ આદિ, તેમને નૈવેદ્ય કરેલું એવું પણ 'સૂરા-મદ્ય' કહેતાં ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય, તે ન પીવું તથા તેનો ગંધ પણ ન લેવો.
શ્રીજીમહારાજને અર્પણ કર્યા વિનાનું અન્ન-જળ તથા આસુરી સંપત્તિવાળાનું અન્ન-જળ પણ માંસ અને સુરા તુલ્ય જ છે.