શ્લોક : ૨૦
मिथ्यापवाद: कस्मिश्चिदपि स्वार्थस्य सिद्धये ।
नारोप्यो नापशब्दाश्च भाषणीया: कदाचन ॥ ૨૦ ॥
અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ, કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો; અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. ॥ ૨૦ ॥
ભાવાર્થ
પોતાને ઈપ્સિત એવું પદાર્થ તેની પ્રાપ્તિને અર્થે; કહેતાં, સામાના ઉપર અપવાદ આરોપણ કરવાથી પોતાના અર્થની સિદ્ધિ થતી હોય તો પણ, કોઈ પણ સ્ત્રી-પુરુષ ઉપર મિથ્યા એવો અપવાદ જે 'આ પુરુષ અથવા આ સ્ત્રી તેણે આવું પાપકર્મ કર્યું છે' એવો જૂઠો અપવાદ આરોપણ ન કરવો; કેમ કે તેથી મહાન દોષ લાગે છે અને એ દોષની શુદ્ધિ કોઈ પ્રાયશ્ચિત્તે કરીને કહી નથી. વળી જે મનુષ્ય બીજામાં દોષ હોય ને તે દોષ બહાર કોઈના જાણ્યામાં ન હોય અને તેનો જનસમાજમાં પ્રકાશ કરે, તો તે પ્રકાશ કરનારને, તે દોષવાળા પાતકીમાં જે દોષ હોય તેટલું જ પાપ લાગે; પરંતુ બીજામાં દોષ ન હોય છતાં તેવો દોષ એનામાં છે એવો મિથ્યા અપવાદ મૂકે તો તે મિથ્યા અપવાદ આરોપણ કરનારને, જે મનુષ્યમાં જે દોષનો મિથ્યા અપવાદ મૂકેલો હોય તે દોષ સિવાય બીજા જે જે દોષ એનામાં હોય તે પણ તેવા મિથ્યા અપવાદ મૂકનારને લાગે છે.
શ્રીહરિએ ગઢડા પ્રથમ પ્રકરણના ૭૨મા વચનામૃતમાં પણ કહ્યું છે : "કોઈકને માથે જૂઠું કલંક દેવું, તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજેત કરવો નહિ."
શ્રીજીમહારાજ આગળ કહે છે કે, મારા આશ્રિત તેમણે, અપશબ્દ જે બીભત્સ ગાળો દેવી તથા મર્મસ્થળ ભેદાય તેવાં વચન ક્યારેય બોલવાં નહિ.