શ્લોક : ૧૯૪-૧૯૫
पुमानेव भवेद्यत्र पङ्कवान्नपरिवेषण: ।
ईक्षणादि भवेन्नैव यत्र स्त्रीणां च सर्वथा ॥ ૧૯૪ ॥
અને જે ગૃહસ્થના ઘરને વિષે, રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય ॥ ૧૯૪ ॥
तत्र गृहिगृहे भोक्तुं गन्तव्यं साधुभिर्मम ।
अन्यथाऽऽमान्नमर्थित्वा पाक: कार्य: स्वयं च तै: ॥ ૧૯૫ ॥
તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું; અને એ કહ્યું તેવું ન હોય તો, કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. ॥ ૧૯૫ ॥
ભાવાર્થ
જે ગૃહસ્થનાં ઘરમાં રાંધેલી રસોઈને પીરસનાર માત્ર પુરુષ હોય અને જ્યાં સ્ત્રીનાં દર્શન કે સ્ત્રીના શબ્દનું શ્રવણ પણ થાય તેમ ન હોય, તેવા ઘરે શ્રીહરિના સાધુઓએ ભોજન કરવા માટે જવું; તેમાં પણ પાંચ ત્યાગીઓથી ઓછાએ કદાપિ જવું નહિ. ને સર્વ ક્રિયાઓ ભગવાનને અર્થે જ કરવી, એ હેતુથી ભગવાનને નૈવેદ્ય કર્યા સિવાયનું અન્નાદિક ક્યારેય પણ જમવું નહિ. જો ગૃહસ્થના ઘરમાં, શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુની પ્રતિમા ન હોય તો, પોતાની સેવ્યમૂર્તિને ત્યાં લઈ જઈને, તેમને નૈવેદ્ય કરીને પછી જમવું. અને જો તે ગૃહસ્થને ઘેર ભગવાનની મૂર્તિ હોય તો કાચું સીધું તે ભિક્ષા આપનારા-જમાડનારા પાસે મંગાવવું ને સ્વયં રસોઈ બનાવીને, પોતાને પૂજવાની મૂર્તિને નૈવેદ્ય કરવું. ત્યારબાદ ત્યાગીમંડળે તે ગૃહસ્થ હરિભક્તના ગૃહપ્રત્યે જમવા જવું. કેમ જે પોતાની પૂજ્ય મૂર્તિને નૈવેદ્ય ન કરે તો સેવાધર્મની હાનિ થાય છે. કદાચ પોતાને વ્રતોપવાસ હોય તો પણ ભગવાનને તો નૈવેદ્ય ધરવું.
અને પ્રથમ કહ્યું તેવી રીતની અનુકૂળતા ન હોય તો, ભિક્ષામાં કાચું અન્ન માગીને પોતાના જ સ્થાનકમાં રસોઈ કરવી. માટે જાતે રસોઈ કરવાનું અનુકૂળ ન હોય તો, ધર્મવાળા પવિત્ર બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, ભગવાનને નૈવેદ્ય ધરી, પ્રસાદીભૂત અન્ન, પ્રથમ, ગુરુને જમાડીને પછી પોતે કાષ્ઠપાત્રમાં મેળવી, પાણી નાખીને જમવું.
વળી જેનું ખપતું ન હોય તે જો જમવાનું નિમંત્રણ આપે, તો ત્યાગીઓએ કાચું સીધું પોતાના આશ્રમમાં મંગાવીને અગર, તેઓના ગૃહપ્રત્યે જઈને સ્વયં રસોઈ કરીને અથવા, બીજા પવિત્ર ધર્મવાળા બ્રાહ્મણ પાસે રસોઈ કરાવીને જમવું.