શ્લોક : ૪૮

शास्त्रोक्त आपद्धर्मो य: स त्वल्पापदि कर्हिचित् ।

मदाश्रितैर्मुख्यतया ग्रहीतव्यो न मानवै: ॥ ૪૮ ॥

અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. ॥ ૪૮ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજના આશ્રિતોએ 'આપદ્ધર્મ' તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો.

'આપદ્ધર્મ' એટલે આપત્તિના સમયે આચરણ કરવાનો ધર્મ. જેમ કે : - વ્રતના દિવસે માંદા મનુષ્યે વિષ્ણુનું નૈવેદ્ય એવું અન્ન જમવું - આવા વાક્યનો આધાર લઈને સહેજસાજ તાવ આવ્યો હોય અથવા માથું દુઃખતું હોય તેવા સમયે તેને આપત્તિ માનીને વ્રતના દિવસે ભોજન કરવું નહિ અર્થાત્ એવી કોઈ પણ નજીવી આપત્તિમાં આપદ્ધર્મનો સ્વીકાર કરવો નહિ.

આપત્કાળના સમયમાં પોતાના દેહને પીડા ન થાય ને દેહ પડી ન જાય, તેવી રીતે ધર્માચરણ કરવું. વળી જ્યારે સ્વસ્થ શરીર થાય, ત્યારે પૂર્વવત્ વર્તવું. આ આપત્કાળના ધર્મ બીજી કોઈ ગતિ ન હોય ને સર્વનાશ થવા જેવો મહા આપત્કાળ પ્રાપ્ત થયો હોય તે સમય પરત્વે છે; માટે એ આપત્કાળના ધર્મ અલ્પ આપત્કાળમાં શ્રીહરિના આશ્રિતોએ ગ્રહણ કરવા નહિ.