શ્લોક : ૧૭

स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् ।

सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया ॥ ૧૭ ॥

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું; અને ધણિયાતું જે કાષ્ઠ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ॥ ૧૭ ॥

ભાવાર્થ

શ્રીહરિ પોતાના શિષ્યો પ્રત્યે કહે છે : મારા આશ્રિત માત્રે ધર્મકાર્ય કરવાને અર્થે પણ ચોરીનું કર્મ એટલે કે પ્રત્યક્ષ, વા બળાત્કારે, વા છાની રીતે બીજાના પદાર્થનું અપહરણ ન કરવું; કેમ કે ચોરીનું દ્રવ્ય, ધર્મકાર્યને અર્થે યોગ્ય નથી. દરેકે પોતાના વર્ણાશ્રમને ઉચિત એવા ઉદ્યમથી કે વૃત્તિથી પ્રાપ્ત કરેલા-નીતિથી મેળવેલા દ્રવ્યથી ધર્મકાર્ય કરવું. અને જે પુરુષ, બીજાનું દ્રવ્ય હરણ કરીને દાન આપે છે તે દાન દેનારો નરકને પામે છે; અને ફળ તો જેનું દ્રવ્ય હોય તેને જ પ્રાપ્ત થાય છે. જે વિવેકી પુરુષ, નહિ દીધેલી એવી કોઈની કાંઈ પણ વસ્તુ મનથી પણ ગ્રહણ ન કરે તે ઊર્ધ્વગતિને પામે છે.