શ્લોક : ૫૯

प्रोक्तास्ते निर्गुणा भक्ता निर्गुणस्य हरेर्यत: ।

सम्बन्धात्तत्किया: सर्वा भयन्त्येव हि निर्गुणा: ॥ ૫૯ ॥

અને નિર્ગુણ કહેતાં, માયાના જે સત્ત્વાદિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણભગવાન તેના સંબંધથકી, તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે; તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે. ॥ ૫૯ ॥

ભાવાર્થ

આત્મનિવેદી ભક્ત એટલે કે એકાંતિક ભક્તની 'સર્વે ક્રિયાઓ' કહેતાં, તે ભક્તના ઇંદ્રિયોના તમામ વ્યવહાર, માયાના ગુણે રહિત તથા અનંત દિવ્ય કલ્યાણકારી ગુણે યુક્ત અને જે પોતાના આશ્રિતોના કાળ, માયા તથા યમના ભયનો નાશ કરે છે તે શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુ તેમના સંબંધથી નિર્ગુણ થાય છે. વળી શ્રીજીમહારાજને વિષે જે નિષ્ઠા, તે સંબંધી જ્ઞાન તેને પણ નિર્ગુણ કહેલું છે તથા એવા ભક્તની ભક્તિ તે પણ નિર્ગુણ કહેલી છે.

આત્મસ્વરૂપનું જ્ઞાન તે સાત્ત્વિક છે, સ્વર્ગાદિક માયિક સુખની પ્રાપ્તિનું જ્ઞાન રાજસ છે, માયિક સુખ ભોગવવાનું જ્ઞાન તે તામસ જ્ઞાન છે, જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન સંબંધી જ્ઞાન તે આ ત્રણેય ગુણોથી પર અને નિર્ગુણ છે.