શ્લોક : ૧૨૧

मतं विशिष्टाद्वैतं मे गोलोको धाम चेप्सितं ।

तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ॥ ૧૨૧ ॥

અને અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું. અને અમને પ્રિય એવું જે ધામ, તે ગોલોક છે એમ જાણવું. અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્ણભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. ॥ ૧૨૧ ॥

ભાવાર્થ

શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ - એ સર્વથી વિશિષ્ટ છે; અર્થાત્ એ સર્વમાં અન્વયપણે રહ્યા છે છતાં, તે સર્વેથી પર, તે સર્વના કારણ, આધાર ને નિયંતા છે એમ વ્યતિરેક છે - સ્વામી છે ને એ બધા સેવક છે; એ અન્વયસ્વરૂપ તથા વ્યતિરેકસ્વરૂપનું 'અભેદપણું' એટલે અદ્વૈતપણું છે છતાં, પરબ્રહ્મ, પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન અદ્વિતીય છે.

હવે શ્રીજીમહારાજે તેમને પ્રિય ધામ 'ગોલોક' છે એમ કહ્યું, તેમાં 'ગો' શબ્દ કિરણવાચક છે ને 'લોક' શબ્દ સમૂહવાચક છે, એ હેતુથી કિરણ તેનો સમૂહ તેને ગોલોક કહ્યું છે; અર્થાત્ શ્રીહરિનું ધામ તેજના સમૂહરૂપ છે; કહેતાં પોતાનો પ્રકાશ - એ જ અક્ષરધામ છે. અને આ જે અક્ષરધામ તે ગોલોક, વૈકુંઠ ને શ્વેતદ્વીપાદિક ધામથી પૃથક્ છે ને તે અક્ષરધામનું સુખ તે આ સર્વે ધામના સુખથી અતિ અધિક છે.

વળી શ્રીહરિના તેજના સમૂહરૂપ જે 'ગોલોક' કહેતાં અક્ષરધામ છે, તે કિરણોએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોક ધામને મધ્યે વ્યાપીને રહ્યું છે; તેથી ગોલોકના મધ્યે અક્ષરધામ કહેવાય છે, પણ તે અક્ષરધામનું અન્વય સ્વરૂપ છે; અને ગોલોકાદિકથી પર શ્રીહરિના તેજના સમૂહરૂપે છે તેને વ્યતિરેક અક્ષરધામ

કહ્યું છે.

અને તે ગોલોકનામક તેજના સમૂહરૂપ અક્ષરધામમાં પરબ્રહ્મનું 'સાર્ધમ્ય' જે સ્વામિત્વ, સુખદાતાપણું ને નિયંતાપણું - એ સિવાયના બીજા, રૂપ-ગુણ ઇત્યાદિકે કરીને સજાતિ ને દિવ્યસાકાર થાય તે, તેને પામેલા મુક્તોએ તથા નિત્યમુક્તોએ સેવન કરાતા, ને સર્વશ્રી અધિક આનંદરૂપ - એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની 'સેવા' જે અનુભવજ્ઞાનથી ને નિરવધિ સ્નેહથી, દિવ્ય શ્રી હરિનાં દર્શન - સ્પર્શ - સુગંધાદિકનું સેવન કરવું; અર્થાત્, શ્રીજીના સ્વરૂપસંબંધી આનંદનો અખંડ અનુભવ કર્યા કરવો; તેને જ શ્રીહરિએ 'મુક્તિ' કહેતાં, આત્યંતિક મોક્ષ માન્યો છે. અવરભાવમાં મુકુંદવર્ણીની માફક, મનુષ્યરૂપ એવા શ્રીજીમહારાજની સેવા-પરિચર્યા કરવી તે પણ, 'મુક્તિ' એટલે આત્યંતિક મોક્ષ માનેલ છે.