શ્લોક : ૧૬૬
विद्याऽनासन्नसम्बन्धस्ताभि: पाठ्या न कापि नु:
व्रतोपवास्सै: कर्तव्यो मुहुर्देहदमस्तथा ॥ ૧૬૬ ॥
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપસંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી. અને વ્રત-ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. ॥ ૧૬૬ ॥
ભાવાર્થ
વળી તે વિધવા સ્ત્રીઓને ભગવાનનાં કથા-કીર્તન આદિ શીખવાની ઇચ્છા હોય, તો તેમણે પોતાના પિતા, ભાઈ વગેરે સમીપના સગાંસંબંધી જનોની પાસેથી જ શીખવાં; પરંતુ બીજાની પાસેથી શીખવા નહિ. તથા વિધવા સ્ત્રીઓએ 'વ્રત વગેરે' એટલે એકાદશી આદિક જે 'નિત્યપ્રાપ્ત' ઉપવાસો, ધારણા-પારણા આદિ જ 'નૈમિત્તિક' ઉપવાસો તથા ક્યારેક અજાણતાં પુરુષનો સ્પર્શ વગેરે થઈ જાય તે નિમિત્તના 'પ્રાયશ્ચિત્ત'ના ઉપવાસો કરીને, વારેવારે પોતાના દેહનું દમન કરવું.
અને તે વિધવા સ્ત્રીઓએ, અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્યવ્રત, તે અપ્રસ્ખલિતપણે જીવનપર્યંત પાળવું. અને જેમ પુરુષનો સ્પર્શ ન કરે, તેમ તેની પ્રતિમાનો પણ સ્પર્શ વિધવા સ્ત્રીએ કરવો નહિ - દેવપ્રતિમાનો સ્પર્શ કરવામાં દોષ નથી. વળી ઘી, ગોળ વગેરે મિશ્રિત લાડુ આદિ મિષ્ટાન્ન - જે રસના ઇંદ્રિયને પ્રલોભક છે, તે અતિશય જમવું નહિ. મિષ્ટાન્ન સિવાય બીજું અન્ન ન મળે તો મિષ્ટાન્ન અલ્પ જમે; પરંતુ રસાસ્વાદ પરવશતાથી અતિશય જમવું નહિ. અને નેત્રને આકર્ષનારાં સુંદર વસ્ત્રને તથા કસુંબાદિ રંગથી રંગેલા વસ્ત્રને ધારવાં નહિ.