શ્લોક : ૧૧૭

श्रव्य: श्रीमद्भागवतदशमस्कन्ध आदरात् ।

प्रत्यहं वा सकृद्वर्षे वर्षे वाच्योऽथ पण्डितै: ॥ ૧૧૭ ॥

અને શ્રીમદ્ભાગવત પુરાણનો જે દશમસ્કંધ તે જે તે, નિત્યપ્રત્યે આદરથકી સાંભળવો; અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે નિત્યપ્રત્યે વાંચવો; અથવા વર્ષોવર્ષ એકવાર વાંચવો. ॥ ૧૧૭ ॥

ભાવાર્થ

જેમને પરોક્ષ અવતારને વિષે પ્રેમ હોય તેમને તેમનાં શાસ્ત્ર વિશેષ પ્રિય લાગે, તેવાઓના સમાસને અર્થે શ્રીહરિએ શ્રીમદ્ભાગવતનો દશમસ્કંધ વાંચવાનું તથા સાંભળવાનું કહ્યું છે. માટે જેમ અવતારના ઉપાસકોને પરોક્ષ શાસ્ત્ર વાંચવાનું કહ્યું, તેમ અવતારી પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકને પ્રકટનાં શાસ્ત્ર નિત્યપ્રત્યે વાંચવાં. તે શ્રીહરિએ શિક્ષાપત્રીના શ્લોક ૨૦૮ માં શિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવાની આજ્ઞા કરી છે. વચનામૃત, સત્સંગિજીવન આદિ ગ્રંથોમાં પણ શ્રીહરિએ પોતે રચેલા તથા પોતાના સ્વાશ્રિતો પાસે રચાવેલાં ગ્રંથોના કથા-શ્રવણ કરવાનું કહ્યું છે. વળી એમ પણ કહ્યું છે જે, સંપ્રદાયની પુષ્ટિ તો સંપ્રદાયના જે ઇષ્ટદેવ તેમના સંબંધવાળા ગ્રંથોથી જ થાય. આથી સ્પષ્ટ થાય છે કે, પોતાના અવતારચરિત્રના જે ગ્રંથ હોય તે કરતાં, અવતારી એવા પોતાનાં જ ચરિત્ર તથા પોતે કરેલ ઉપદેશામૃત જે ગ્રંથમાં હોય, તે શ્રીહરિને વિશેષ પ્રિય છે.