શ્લોક : ૧૬૪
स्वासन्नसम्बधहीना नरा: स्पृश्या न कर्हिचित् ।
तरु़णैस्तैश्च तारु़ण्ये भाष्यं नावश्यकं विना ॥ ૧૬૪ ॥
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે, પોતાના સમીપ -સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના, સમીપ-સંબંધ વિનાના જે યુવાન પુરુષ, તેમની સાથે ક્યારેય પણ બોલવું નહિ. ॥ ૧૬૪ ॥
ભાવાર્થ
પિતા, ભાઈ, પુત્ર વગેરે સમીપ-સંબંધવાળા એટલે કે નિકટનાં સગાં હોય તે સિવાયના અન્ય પુરુષનો વિધવા સ્ત્રીઓએ જાણી જોઈને સ્પર્શ કરવો નહિ. ને તેની સાથે બોલવું નહિ ને તેના સામું જોવું પણ નહિ. અને તે નિકટનાં સંબંધીઓ જો સ્વધર્મનિષ્ઠ હોય અને બીજાના ધર્મની રક્ષા કરનારા હોય અને કોઈ આપત્કાળ આવે, ત્યારે તો તેમના સ્પર્શ-ભાષણ-દર્શનાદિકમાં વિધવાને દોષ નથી. અને જો સમીપસંબંધ વગરના પુરુષનો જાણેઅજાણે સ્પર્શ થાય તો યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું. અને યુવાવસ્થામાં વર્તતી વિધવાએ, યુવાવસ્થામાં વર્તતા પોતાના ભ્રાતાદિ બંધુજનની સાથે પણ, માર્ગમાં કદાપિ એકલા જવું નહિ તથા એકાંતમાં તેની સાથે બેસવું નહિ. તથા કામભાવથી - બુદ્ધિપૂર્વક તો કોઈ પણ પુરુષને ન જોવો (માર્ગમાં જતાં પુરુષ નજરે પડે જ; પરંતુ 'આ દ્રષ્ટવ્ય છે' એવી બુદ્ધિથી ન જોવું) અને વિવાહોત્સવ, દેશાંતરથી આવેલો વટેમાર્ગુ પુરુષનો સંઘ, રાજસૈન્ય, નૃત્ય, ગીતસ્થાન, ભેગા થઈને બગીચાદિકમાં ભોજનાદિમાં પ્રવર્તેલા જનોનો ઉત્સવ અને માર્ગમાં વિચરતા વસ્ત્ર-આભૂષણાદિકથી સમલંકૃત રાજકુમારાદિ પુરુષને જોવા માટે વિધવાએ ન જવું.
વળી વિધવા સ્ત્રીઓએ કામસંબંધી વાર્તાઓ ક્યારેય સાંભળવી નહિ, તેમ જ પોતે કરવી નહિ; અને રોગાદિ આપત્તિ સિવાય પ્રતિદિન દિવસને અંતે એક જ વાર જમવું, ખાટલામાં શયન ન કરવું તથા શરીરે તેલમર્દન ન કરવું. વળી નગ્ન થઈને સ્નાન ન કરવું તથા 'ગંધદ્રવ્ય' જે ચંદનતેલ તથા ચંપો, ગુલાબ વગેરેનું અત્તર, તેમ જ ઇલાયચી - આદિ તેજાનાનો ઉપયોગ ન કરવો.