શ્લોક : ૧૦૧-૧૦૨
एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च ।
अत्युत्कर्षपराणि स्युस्तथा भक्तिविरागयो: ॥ ૧૦૧ ॥
અને એ સર્વે સચ્છાસ્ત્રને વિષે જે વચન તે જે તે, શ્રીકૃષ્ણભગવાનનું સ્વરૂપ, તથા ધર્મ, તથા ભક્તિ, તથા વૈરાગ્ય - એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. ॥ ૧૦૧ ॥
मन्तव्यानि प्रधानानि तान्येवेतरवाक्यत: ।
धर्मेण सहिता कृष्णभक्ति: कार्येति तद्रह: ॥ ૧૦૨ ॥
તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં. અને શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ, તે જે તે, ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્છાસ્ત્રનું રહસ્ય છે. ॥ ૧૦૨ ॥
ભાવાર્થ
સર્વ જીવોના હિતને માટે શ્રીજીમહારાજે, સામાન્ય સિદ્ધાંતનાં તથા પરોક્ષાર્થનાં વચન કહ્યાં હોય; તે થકી જે વચન એકાંતિક ભક્તો માટે કહ્યાં હોય, તે વચન પ્રધાનપણે માનવા, એ શ્રીહરિનો મુખ્ય સિદ્ધાંત છે, ને એ જ પ્રત્યક્ષાર્થ જાણવો.
વચનામૃતાદિ સદગ્રંથોમાં જે જે વચનોથી શ્રીહરિનું સર્વોપરીપણું, સર્વાવતારીપણું, પ્રકટપણું ઇત્યાદિ સ્થાપીત થતું હોય તે વચનો પ્રધાનવચનો સમજવા. અને જે જે વચનો સામાન્ય ને પરોક્ષ અર્થવાળા હોય તે 'ઇતર' એટલે કે પ્રધાનવચનથી બીજા જાણવાં.
દા.ત. શિક્ષાપત્રી શ્લોક ૯૮ અને ૧૧૭માં શ્રીમદ્ભાગવતના દશમ અને પંચમ સ્કંધને અધિક માનવાના કહ્યા તથા તેમનો પાઠ-શ્રવણ વગેરે કરવાનું કહ્યું - આ 'ઇતર' વચનો છે. જ્યારે શિક્ષાપત્રીના જ શ્લોક - ૨૦૮ તથા ૨૦૯માં શ્રીહરિએ શિક્ષાપત્રીનો પાઠ, શ્રવણ, પૂજા વગેરે કરવાનું કહ્યું - આ શ્રીજીમહારાજનો મુખ્ય સિદ્ધાંત જણાવતા વચનો તે શિ. શ્લો. ૯૮ અને ૧૧૭માં કહેલા ઇતર વચનોથી પ્રધાનપણે માનવા.
વળી શ્રીહરિએ ગ.મ. પ્રકરણના ૫૮મા વચનામૃતમાં કહ્યું છે કે પોતાના ઇષ્ટદેવનાં જે પ્રાદુર્ભાવથી તે અંતર્ધાન લીલા પર્યંતનાં ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે; માટે શ્રીજીમહારાજના આશ્રિતોએ શ્રીજીમહારાજે રચેલા તેમ જ પોતાના મહાસમર્થ સંતો પાસે રચાવેલા ગ્રંથો જ માનવાં અને તેમાં પણ શ્રીજીમહારાજના સંબંધવાળા વચનો પ્રધાનપણે ગ્રહણ કરવાં.