શ્લોક : ૧૧૫

कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमापि च ।

न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्मविदोऽपि च ॥ ૧૧૫ ॥

અને શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીકૃષ્ણભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે; તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા, તે પણ ધ્યાન કરવા યોગ્ય છે; માટે એમનું ધ્યાન કરવું; અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો, શ્રીકૃષ્ણભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી; માટે એમનું ધ્યાન ન કરવું. ॥ ૧૧૫ ॥

ભાવાર્થ

આમાં 'શ્રીકૃષ્ણભગવાન' કહ્યા તે શ્રી સહજાનંદ સ્વામીએ પોતે, પોતાને જ કહ્યા છે. તે સ. ભૂ. માં શ્રી હરિએ કહ્યું છે : 'શ્રી સ્વામિનારાયણ ભગવાન જે હું, તે જ અનાદિ કૃષ્ણનામક છું; તે હું સર્વ કારણનો કારણ છું ને સર્વ પ્રકાશકોનો પ્રકાશક છું.' વળી કહ્યું છે : 'પ્રકટ શ્રી સ્વામિનારાયણ ભગવાન તે, હું જ ધ્યાન કરવા યોગ્ય છું અને મારા કૃષ્ણ, નરનારાયણ આદિ અવતાર તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. મારી ધાતુ, કાષ્ઠ, પાષાણ કે ચિત્રની પ્રતિમાઓ તે પણ ધ્યાન કરવા યોગ્ય છે; પણ મારા અનન્ય એકાંતિક ભક્તોએ તો મારું જ ધ્યાન કરવું.'

જ્યારે ભગવાન મનુષ્યરૂપે પ્રકટ થઈને વિચરે છે, ત્યારે જેમ, ભગવાનને પ્રત્યક્ષ કહેવાય છે, તેમ જ ભગવાનનું પ્રતિમાસ્વરૂપ પણ પ્રત્યક્ષ છે. તે - 'પ્રતિમારૂપે હું પ્રત્યક્ષ છું'- એમ શ્રીમહારાજનાં વચન છે. એ હેત માટે પ્રતિમામાં ધાતુ, કાષ્ઠ, પાષાણ કે ચિત્રભાવ વગેરેનો ત્યાગ કરી, તે પ્રતિમાસ્વરૂપ છે તે દિવ્ય પ્રત્યક્ષ ભગવાન છે એમ સમજી, એમનું ધ્યાન કરવું; અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો, શ્રીકૃષ્ણભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ તે ધ્યાન કરવા યોગ્ય નથી, માટે તેમનું ધ્યાન ન કરવું, પરંતુ સપાર્ષદ ભગવાનનું ધ્યેયપણું કહ્યું છે; કારણ કે સાંગ, ઉપાંગ, સલીલ ને સપાર્ષદ - એ ચાર પ્રકારના ધ્યાનનું શાસ્ત્રમાં નિરૂપણ છે, માટે શ્રીહરિજીના સાથ સિવાય ભક્તના ધ્યેયપણાનો પ્રતિબંધ છે એમ જાણવું.

હવે આ જે ધ્યાન કરવું તે ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાનનું પ્રયોજન એ ચારના સ્વરૂપને જાણીને પછી કરવું. આમાં પ્રથમ ધ્યાતાનાં લક્ષણ આ પ્રમાણે છે : - શ્રીજીમહારાજનાં સર્વોપરી ઉપાસના ને માહાત્મ્યજ્ઞાન તે સત્પુરુષના સમાગમથી યથાર્થ સમજ્યો હોય ને કોઈ પ્રકારનું માન ન હોય, દાસભાવે યુક્ત હોય, પંચવિષયને વિષે દૃઢ વૈરાગ્યવાળો હોય, શાંત-દાંત હોય અને નિંદા-સ્તુતિ, માન-અપમાનમાં સમભાવવાળો હોય તે સાચો ધ્યાતા જાણવો.

ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. પોતાને ત્રણ દેહથી પૃથક્ આત્મારૂપ માનીને મનુષ્યાકૃતિ અથવા પ્રતિમાકૃતિ-એવા પોતાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમગ્ર મૂર્તિનું ધ્યાન કરવું અથવા એકેક અંગનું પૃથક્પૃથક્ ધારીને ધ્યાન કરવું તે 'અવરભાવનું ધ્યાન' કહેવાય. ૨. પોતાના આત્માની, શ્રીહરિના તેજના સમૂહરૂપ અક્ષરબ્રહ્મ સાથે એકતા કરીને તે તેજના સમૂહરૂપ ધામમાં વિરાજમાન, દિવ્ય સાકાર મૂર્તિ - એવા પોતાના સ્વામી શ્રીજીમહારાજની સમગ્ર મૂર્તિનું અતિ પ્રીતિએ કરીને અખંડ ધ્યાન કરવું તે 'પરભાવનું ધ્યાન' કહેવાય.

૩. પોતાના આત્માને શ્રીહરિની સાથે એકાત્મપણાની ભાવના કરી, પોતાને પુરુષોત્તમરૂપ માની, અત્યુત્તમ નિર્વિકલ્પ નિશ્ચયે કરીને તથા ઉપશમ સ્થિતિએ કરીને, પોતાના ઇષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિમાં જ નિમગ્ન રહીને, સ્વામી-સેવકભાવે શ્રીહરિજીના સળંગ સ્વરૂપનું ધ્યાન કરવું તે પરભાવમાં 'અતિઉત્તમ ધ્યાન' કહેલું છે.

અને ધ્યેયનું સ્વરૂપ એટલે કે શ્રીજીમહારાજની મૂર્તિ કેવી ધારવી, તે શ્રીહરિએ સ્વયં સત્સંગિભૂષણમાં કહ્યું છે તથા સત્સંગિજીવન આદિ શાસ્ત્રોમાં તેમ જ સર્વમંગલ સ્તોત્રમાં પણ કહ્યું છે. તે પ્રમાણે શ્રીહરિની મૂર્તિ ધારીને ધ્યાન કરવું. અને અનાદિમુક્તની માફક, નિરવધિકાતિશય પ્રેમપૂર્વક શ્રીજીમહારાજની મૂર્તિના આનંદના અનુભવની પ્રાપ્તિ - એ જ 'ધ્યાનનું પ્રયોજન' છે.

વળી તે ધ્યાન કરવું તેમાં શ્રીહરિજીના માહાત્મ્યનો વિચાર કરવો, તેમને સર્વના કર્તા-હર્તા જાણવા તથા તેમની પ્રતિમાને પણ દિવ્ય સમજવી. અને ધ્યાનમાં શ્વેત તેજને વિષે ભગવાનની મૂર્તિને જોઈને આનંદ પામવો; પણ તે મૂર્તિ વિના અક્ષરનું તેજ દેખાય તો તે તેજે કરીને શાંતિ પામવું નહિ ને અતિ તપી જાવું. અને આમ જે અક્ષરના સુખમાં પણ ન લેવાય તેને તો જેવું ભગવાનને પોતાનું સુખ આવે છે તેવું સુખ ભગવાનની મૂર્તિમાંથી આવે છે.

હવે ધ્યાનમાં ચાર વિઘ્નો છે. તેમાં પ્રથમ, ચિત્ત, નિદ્રામાં લીન થાય તે 'લય' તે જીતવા નિદ્રાગ્રસ્ત ચિત્તને જાગ્રત કરવું. બીજું, ચિત્તમાં કામાદિક વિષય સ્ફૂરે તે રૂપી 'વિક્ષેપ' તેનો શ્રીજીના સુખના વિચારે કરીને ત્યાગ કરવો. ત્રીજું, રાગ-દ્વેષનો તીવ્ર વેગ ચિત્તમાં લાગે તે 'કષાય' તે જીતવા, રાગ-દ્વેષવાળા ચિત્તને સર્વદેશી જ્ઞાને કરીને રાગરહિત કરવું. અને ચોથું, ભૂત-ભવિષ્ય જાણવા વગેરે ઐશ્વર્યની ઈષણા ચિત્તમાં રહે, તથા જીહ્વાના રસમાં રાગ હોય તે રૂપી 'રસાસ્વાદ' તેનો શ્રીજીના માહાત્મ્યજ્ઞાને કરીને ત્યાગ કરવો. આ જે દોષો તે જીત્યા વિના ધ્યાન સિદ્ધ થાય નહિ ને ધ્યાન સિદ્ધ થયા વિના સ્થિતિ બંધાય નહિ ને તે વિના મુક્તિની પ્રાપ્તિ ન થાય, માટે ધ્યાન કરનારા ભક્તે આ દોષ જીતવા. સર્વમાંથી મનને પાછું વાળીને, સર્વત્ર વાસ કરીને રહેલા એવા શ્રીજીમહારાજ તેમની મૂર્તિમાં મનનો નિરોધ કરે, તે દેહ છતાં જ મુક્ત થઈ રહ્યા છે.