શ્લોક : ૮૩
कर्तव्या द्वारिकामुख्यतीर्थयात्रा यथाविधि ।
सर्वैरपि यथाशक्ति भाव्यं दीनेषु वत्सलै: ॥ ૮૩ ॥
અને સર્વે જે અમારા આશ્રિત તેમણે, દ્વારિકા આદિક જે તીર્થ, તેમની યાત્રા જે તે પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. અને વળી પોતાના સાર્મથ્ય પ્રમાણે દીનજનને વિષે દયાવાન થાવું. ॥ ૮૩ ॥
ભાવાર્થ
શ્રીહરિ પોતાના આશ્રિતજનો પ્રત્યે કહે છે કે : પ્રત્યક્ષ શ્રીહરિકૃષ્ણ એવો હું, તે મારી સ્વધર્મ - જ્ઞાન-વૈરાગ્યે સહિત ભક્તિ - ઉપાસના આદિ અતિ ઉત્તમ દ્વાર - મોક્ષનાં સાધન જ્યાં હોય તે દ્વારિકા કહેવાય. આ અર્થમાં છપૈયા, ગઢપુર, અમદાવાદ, વડતાલ, જેતલપુર, મૂળી, ભૂજ, જૂનાગઢ, ધોળકા અને ધોલેરા - આ દશ ધામ તથા તેમની આસપાસ આવેલા ગૌઘાટ, નારાયણસર, સરયૂ નદી આદિ તીર્થો તેને દ્વારિકા નામથી જાણવાં. કેમ કે એ સર્વે આત્યંતિક મોક્ષના દ્વારભૂત
છે અને આ તીર્થોની યાત્રા કરવી તથા ત્યાં જઈ મહાપૂજા કરાવવી, મૂર્તિસ્વરૂપ શ્રીહરિનો થાળ કરાવવો, સાધુ-બ્રહ્મચારીને જમાડવા, સંત સમાગમ તથા દેવનાં દર્શન વગેરે કરવું અને ઇંદ્રિયો - અંતઃકરણ નિયમમાં રાખીને કથાવાર્તા - ધ્યાનભજન કરવું.
અને આ તીર્થોની યાત્રા તે યથાર્થ વિધિ પ્રમાણે કરવી. અર્થાત્ ઉપવાસ, પ્રાર્થના વગેરે કરવા તથા ઇંદ્રિયો નિયમમાં રાખવી. કારણ કે અન્ય સ્થળને વિષે કરેલું પાપ તે તીર્થમાં નાશ પામે છે, પણ તીર્થમાં કરેલા પાપથી પ્રાયશ્ચિત્તે કરીને પણ શુદ્ધ થવાતું નથી. વળી આ જે તીર્થયાત્રા તે યથાશક્તિ કરવી એટલે કે ચાલીને જવું વગેરે તથા પોતાના સાર્મથ્ય પ્રમાણે દાનાદિક કરવું વગેરે.
હવે આ તીર્થ પણ બે પ્રકારનાં છે : સ્થાવર અને જંગમ; તેમાં વિશેષપણે સ્થાવર તીર્થનું લક્ષણ કહ્યું. હવે જંગમ તીર્થ જે સત્પુરુષ તેનું લક્ષણ શ્રીહરિજી કહે છે કે : નૈમિષારણ્ય ક્ષેત્ર, તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ (સત્પુરુષ) રહેતા હોય તે ઠેકાણે જાણવું. એવું સંતના સમાગમરૂપ નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય, ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું.
અને શ્રીહરિના આશ્રિતોએ દરિદ્ર ઉપર, શરીરના કોઈ પણ અવયવની હીનતા હોય તેના ઉપર, આપત્તિમાં આવેલા મનુષ્ય ઉપર, રોગી ઉપર, સ્ત્રીઓ ઉપર અને દુર્ભાગી એટલે કે જેના ઉપર દૈવકોપ થયો હોય - આટલા મનુષ્ય ઉપર યથાશક્તિ અનુકંપા - દયા કરવી. અર્થાત્ પારકું દુઃખ દેખીને દુઃખી થવું અને શક્તિ પ્રમાણે તેનું નિવારણ કરવું, પણ તે દયા ભરતજીની પેઠે પોતાને બંધન થાય એવી ન કરવી.