શ્લોક : ૧૫૬
महोत्सवा भगवत: कर्तव्या मन्दिरेषु तै: ।
देयानि पात्रविप्रेभ्यो दानानि विविधानि च ॥ ૧૫૬ ॥
અને તે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે, ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા, તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારનાં દાન દેવાં. ॥ ૧૫૬ ॥
ભાવાર્થ
વળી ધનાઢ્ય એવા ગૃહસ્થોએ એકાદશી, હરિજયંતી વગેરે દિવસોએ, શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પૂજા, ભગવાનના ભક્તનું પૂજન, ગીત, વાદિત્ર, મહાઅભિષેક તથા મહાનૈવેદ્ય વગેરે કરવાપૂર્વક ઉત્સવ કરવા. તથા સુપાત્ર બ્રાહ્મણો તેમને નાના પ્રકારનાં દાન દેવાં ઉદ્ધવસંપ્રદાયની દીક્ષાને પામેલા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણીરૂપી મૂર્તિ જે શિક્ષાપત્રી - તેમાં કહેલ ધર્મનું ઉલ્લંઘન નહિ કરનારા, શ્રીજીમહારાજે સ્થાપેલ ધોરણની મર્યાદાને અનુસરનારા, વચનામૃતમાં કહ્યા પ્રમાણે સ્વામી- સેવકભાવે વર્તનારા, તેમ જ અક્ષરાદિક તથા મૂળપુરુષાદિક સર્વ અવતારોના અવતારી, એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વરૂપનિષ્ઠાની અચળ દૃઢતાવાળા, માન-અપમાન સહન કરનારા, તપાદિકે યુક્ત ને દ્રવ્યાદિકના લોભે રહિત હોય - એવાને જ દાન દેવામાં ઉત્તમ પાત્ર જાણવા. સુપાત્ર, મિત્ર, વિનયવાન, દીન, અનાથ, ઉપકાર કરનાર, માતા, પિતા તથા ગુરુ - એ નવને આપેલું દાન અક્ષય થાય છે. જ્યારે ભાટ, ચારણ, ચોર, કુવૈદ્ય, હરામખોર, ધૂતારો, શઠ, મલ્લ અને બંદીજનો - આ નવને આપેલું દાન નિષ્ફળ જાય છે.
અન્ન અને વસ્ત્રના દાનમાં પાત્રનો વિચાર ન કરવો; જે ભૂખ્યો હોય તે અન્નનું પાત્ર છે અને વસ્ત્ર વિનાનો હોય તે વસ્ત્રનું પાત્ર છે. પણ આ સિવાય બીજી વસ્તુઓનું અપાત્રને દાન અપાય તો, તે દાન તામસ થઈ જાય છે.
અને દાન કરવું તે કુટુંબ-પરિવારના જીવનનિર્વાહ સામી દૃષ્ટિ રાખીને દાન કરવું. તેમ જ, એકને આપવાની પ્રતિજ્ઞા કરેલી વસ્તુ, બીજાને દાનમાં આપવી નહિ.