શ્લોક : ૩૪

ज्ञानवार्ताश्रुतिर्नार्या मुखात् कार्या न पुरुषै: ।

न विवाद: स्त्रिया कार्यो न राज्ञा न च तज्जनै: ॥ ૩૪ ॥

અને અમારા સત્સંગી જે પુરુષમાત્ર, તેમણે બાઈ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ॥ ૩૪ ॥

ભાવાર્થ

આત્મા-પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, ભગવાન સંબંધી વાર્તા, રાજાદિકનું વૃત્તાંત તે સંબંધી વાર્તા એટલે કથા-ગુણ-ગાન આદિ, તે સ્ત્રીના મુખથકી શ્રીહરિના આશ્રિત પુરુષમાત્ર તેમણે ન સાંભળવા. સ્ત્રીઓ, સર્વે નિયમે યુક્ત હોય અને બ્રહ્મ-પરબ્રહ્મને વિષે નિષ્ઠા પામેલી હોય - સ્થિતિવાળી હોય તો પણ, તેમના મુખથકી પુરુષોએ જ્ઞાનવાર્તા ન સાંભળવી તથા એકલી સ્ત્રીને કથા સંભળાવવી પણ નહિ; કારણ કે, જો તેની વાત સાંભળવામાં કે તેને વાત સંભળાવવામાં આસક્તિ હોય તો તેથી સ્ત્રીપ્રસંગથકી પ્રાપ્ત થયેલ ન તૂટે તેવું બંધન થાય છે.

વળી શ્રીહરિના આશ્રિત પુરુષોએ સ્ત્રીઓની સાથે વિવાદ ન કરવો એટલે કે વિરુદ્ધ વાદ ન કરવો; કારણ કે તેમ કરવાથી સ્ત્રીઓમાં સ્વાભાવિકપણે રહેલા દુર્ગુણોને લીધે અનર્થની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. તે દુર્ગુણો ક્યા તો જૂઠું બોલવું, 'સાહસ' કહેતાં વિચાર્યા વિના તત્કાળ કાર્ય કરવું, 'માયા' એટલે સ્ત્રીજાતિના ચપળપણાના સ્વભાવથી પુરુષને પોતામાં મોહિત કરવાપણું, મૂર્ખતા, અતિ લોભીપણું, 'અશૌચ' એટલે દેહે કરીને સદાચાર ન પાળવા ને અંતઃકરણમાં પણ મલિન ચિંતવન કરવું તે અને નિર્દયતા - આ દુર્ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિકપણે રહ્યા હોય છે.

વળી તે જ પ્રકારે રાજા અને તેના અધિકારી રાજપુરુષોની સાથે વિવાદ ન કરવો; કારણ કે તેઓ બળવાન હોવાથી બીજાના વાક્યોનું ગ્રહણ કરતા નથી. તદ્ઉપરાંત અતિથિ, વૃદ્ધ, બાળક, પોષ્યવર્ગ, આતુર જે દુઃખી તથા રોગી, આચાર્ય, વૈદ્ય અને ક્રોધી - આટલાની સાથે પણ વિવાદ ન કરવો.