શ્લોક : ૮૦

उपवासदिने त्याज्या दिवानिद्रा प्रयत्नत: ।

उपवासस्तया नश्येन्मैथुनेनेव यन्नृणाम् ॥ ૮૦ ॥

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો; કેમ કે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમ જ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. ॥ ૮૦ ॥

ભાવાર્થ

ઉપવાસના દિવસે લોકમાં ઉદરનિમિત્તના કાર્યનો, એટલે કે જમવા વગેરેનો અભાવ હોવાથી, નિદ્રા કરીને શાંતિથી દિવસ પસાર કરવાનું જોવામાં આવે છે; તેવું પોતાના ભક્તોને ન થવા પામે, - એવા આશયથી તેનો વિશેષપણે કરીને શ્રીહરિજી નિષેધ કરે છે : એકાદશી વગેરેના વ્રતનિમિત્તના ઉપવાસનો પ્રસંગ હોય, અથવા પ્રાયશ્ચિત્ત નિમિત્તનો ઉપવાસ કર્યો હોય તે દિવસે, દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક સર્વપ્રકારે ત્યાગ કરવો; કારણ કે જેમ મૈથુનથી ઉપવાસનો નાશ થાય છે, તેવી રીતે દિવસની નિદ્રાથી પણ ઉપવાસનો નાશ થાય છે; કેમ કે દિવસની નિદ્રાથી પ્રમાદ વૃદ્ધિ પામતાં, સ્વપ્નદોષને વિશેષ અવકાશ મળે છે અને તેથી વ્રતભંગ થવાનો સંભવ રહે છે.

વળી ઉપવાસને દિવસે જેવી રીતે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો, તેવી જ રીતે શહેરમાં કે બાગ-બગીચા વગેરે સ્થળોમાં મોજશોખ માટે પરિભ્રમણ કરીને, કે ગ્રામ્યવાર્તા કરીને સમય વ્યતીત ન કરવો. આમ ઉપવાસના દિવસે તો આળસ-પ્રમાદ-નિદ્રાદિકનો ત્યાગ કરી, મન આદિક અગિયારે ઇંદ્રિયોને નિયમમાં રાખી ભગવદ્ભક્તિ જ કરવી.