શ્લોક : ૧૫૦
स्वाचार्यान्न ऋणं ग्राह्यं श्रीकृष्णस्य च मन्दिरात ।
ताभ्यां स्वव्यवहारार्थं पात्रभूषांशुकादि च ॥ ૧૫૦ ॥
અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું. અને વળી તે પોતાના આચાર્યથકી અને શ્રીકૃષ્ણના મંદિરથકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવાં નહિ. ॥ ૧૫૦ ॥
ભાવાર્થ
વળી ગૃહસ્થોએ પોતાના વ્યવહાર એટલે વિવાહ આદિ કાર્યને માટે ધાતુનાં વાસણો, ઘરેણાં, વસ્ત્રો તેમ જ વાહન ઇત્યાદિ કોઈ પણ વસ્તુ પોતાના ગુરુ અથવા પોતાના ઇષ્ટદેવ જે શ્રીજીમહારાજ તેમના મંદિરથકી (પાછું દેવાની શરતે પણ) ન લેવું; કારણ કે એવી રીતે લેવાથી પણ તેમનું દેવું કર્યા બરાબર થાય છે.
ગૃહસ્થોએ દેવતા, ગુરુ, બ્રાહ્મણો તથા તપસ્વી પાસેથી વસ્ત્ર, પાત્ર, ધન, અન્ન વગેરે કાંઈ પોતાને માટે માગી લાવવાં નહિ; પરંતુ જો સેવાના બદલામાં એ વસ્તુઓ આપવામાં આવે તો તેનો દોષ લાગતો નથી. તેમ જ તેમણે આગ્રહ કરીને માગ્યા સિવાય પ્રસન્ન થઈને આપ્યું હોય તો તે લેવામાં દોષ નથી.