શ્લોક : ૧૦૯-૧૧૦
स राधया युतो ज्ञेयो राधाकृष्ण इति प्रभु: ।
रु़क्मिण्या रमयोपेतो लक्ष्मीनारायण: स हि ॥ ૧૦૯ ॥
અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે, રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા. અને રુક્મિણીરૂપ જે લક્ષ્મી, તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. ॥ ૧૦૯ ॥
ज्ञेयोऽर्जुनेन युक्तोऽसौ नरनारायणाभिध: ।
बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च ॥ ૧૧૦ ॥
અને એ શ્રીકૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રીકૃષ્ણ જે તે, બળભદ્રાદિકને યોગે કરીને તે તે નામે કહેવાય છે - એમ જાણવું. ॥ ૧૧૦ ॥
ભાવાર્થ
સ્વેચ્છાએ અવતારસ્વરૂપે પ્રાદુર્ભાવ પામવા સમર્થ એવા અવતારી શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુ તે મનુષ્યરૂપે પ્રકટ થયા હતા, ત્યારે પરોક્ષ રાધા-કૃષ્ણાદિક અવતારના ભક્તોને 'શ્રી સ્વામિનારાયણ' નામક, પોતાના પ્રત્યક્ષ અવતારી સ્વરૂપનો નિશ્ચય કરાવવાને અર્થે, પોતાના સંકલ્પે કરીને નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ, રાધાકૃષ્ણ આદિરૂપે પોતે દર્શન દેતા હતા. એ જ પોતાના સંકલ્પસ્વરૂપ તે અમદાવાદ, વડતાલ, ગઢડા, મૂળી આદિ ધામને વિષે મોટાં મંદિરોમાં પધરવ્યાં છે. જેથી કરીને પરોક્ષ અવતારસ્વરૂપને વિષે પ્રીતિવાળા ભક્તજનોને સમાસ થાય ને તેથી એ સર્વેને ગુણબુદ્ધિ ઉત્પન્ન થાય ને છેવટે શ્રીહરિના અનન્ય આશ્રિત થઈ, પ્રકટની ઉપાસના - ભક્તિ કરે એ સારુ, તેમ જ વળી એ સ્વરૂપે શ્રીજીમહારાજ પોતે જ છે તેથી પધરાવ્યાં છે.