શ્લોક : ૧૬૮
कार्यश्च सकृदाहारस्ताभि: स्वापस्तु भूतले।
मैथुनासक्तयोर्वीक्षा क्वापि कार्या न देहिनो: ॥ ૧૬૮ ॥
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો ને પૃથ્વીને વિષે સૂવું. અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષી આદિક જીવપ્રાણીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ. ॥ ૧૬૮ ॥
ભાવાર્થ
વિઘવા સ્ત્રીઓએ એકવાર ભોજન કરવું, પરંતુ વ્રત તથા પ્રાયશ્ચિત્ત ઉપવાસના દિવસે તો નિરાહાર ઉપવાસ કરવો. અને જમીનતળ ઉપર સૂવું. પરંતુ પલંગમાં સૂવું નહિ. તથા આપત્તિ સિવાય દિવસે શયન કરવું નહિ. વળી તે વિધવા સ્ત્રીઓએ 'મૈથુન' એટલે વિષયભોગમાં આસક્ત એવાં પ્રાણીમાત્રને ક્યારેય પણ બુદ્ધિપૂર્વક જોવાં નહિ, કેમ કે તેમને જોવાથી તત્કાળ મનનો ક્ષોભ થાય છે અને તેથી બ્રહ્મચર્યનો ભંગ થવાનો સંભવ રહે છે. તદ્ઉપરાંત વિધવા સ્ત્રીએ કામભાવથી ચિત્તમાં પુરુષનું ચિંતન ન કરવું, તથા પુરુષના ચિત્રને ચીતરવું નહિ ને ગ્રામ્યધર્મમાં આસક્તભાવવાળાં પુતળાંનો સ્પર્શ કરવો નહિ, તેમ જ અત્યંત જરૂરી એવું વ્યાવહારિક કે આભ્યુદયિક (ત્રિવર્ગ સંબંધી) પોતાનું કાર્ય સિદ્ધ થતું હોય તો પણ, પુરુષની સાથે મૈત્રી તો કરવી જ નહિ.