શ્લોક : ૩૧

यदौषधं च सुरया सम्पृक्तं पललेन वा ।

अज्ञातवृत्तवैद्येन दत्तं चाद्यं न तत् क्वचित् ॥ ૩૧ ॥

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું; અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્યે આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. ॥ ૩૧ ॥

ભાવાર્થ

જે ઔષધમાં મદિરા અને માંસ મિશ્રિત હોય, તેવું ઔષધ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોએ ક્યારેય ન ખાવું. અજ્ઞાનતાથી કે પ્રાણાન્ત આપત્કાળ હોય તેવા સમયમાં પણ જો દારૂ પી જવાય તથા માંસ મિશ્રિત એવું ઔષધ ખાવામાં આવે તો યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરે તો શુદ્ધ થાય.

શ્રીજીમહારાજે સત્સંગિજીવનમાં કહ્યું છે કે, પોતાના પ્રાણનું રક્ષણ કરવા માટે પણ ધર્મનો ત્યાગ કરવો નહિ; અર્થાત્ ક્યારેય પણ દારૂમાંસે યુક્ત ઔષધ ખાવું નહિ તેમ જ પીવું પણ નહિ.

વળી જેના આચારને ન જાણતા હોઈએ એવો પુરુષ તે અજ્ઞાતવૃત્ત કહેવાય. એવા અજાણ્યા વૈદ્યે આપેલું ઔષધ ક્યારેય પણ ખાવું નહિ; કારણ કે તેમાં અભક્ષ્ય પદાર્થ તથા અશુદ્ધ દ્રવ્યનું મિશ્રણ હોવાનો સંભવ છે; માટે સારી રીતે પરિચિત એવા વૈદ્યનું જ ઔષધ ગ્રહણ કરવું.