શ્લોક : ૬૯

गुरु़भूपालवर्षिष्ठत्यागिविद्वत्तपस्विनाम् ।

अभ्युत्थानादिना कार्य: सन्मानो विनयान्वितै: ॥ ૬૯ ॥

અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી, એ છ જણા આવે, ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું, ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ॥ ૬૯ ॥

ભાવાર્થ

શ્રીહરિના વિનયવાળા આશ્રિતોએ 'ગુરુ' કહેતાં બ્રહ્મવિદ્યા જે પરલોક સંબંધી જ્ઞાન આપી શ્રીહરિની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવનાર, 'ભૂપાલ' એટલે રાજા, 'વર્ષિષ્ઠ' જે વયમાં વૃદ્ધ હોય તે, 'ત્યાગી' એટલે વૈરાગ્યનું બળ હોવાથી જેણે ભગવાનની પ્રસન્નતાને માટે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો હોય એવા બ્રહ્મચારી, સાધુ, પાર્ષદ વગેરે, 'વિદ્વાન' કહેતાં, વચનામૃતાદિ શ્રી સ્વામિનારાયણ ભગવાને રચેલાં તથા પોતાના મુક્તો પાસે રચાવેલાં સદગ્રંથોનો જેણે અભ્યાસ કર્યો હોય તે અને 'તપસ્વી' એટલે વ્રતપરાયણ હોય તે - આટલાઓને જોઈને પોતાના આસનથી ઊઠવું, પ્રણામ કરવા, આસન આપવું - એ વગેરેથી તેમનો સત્કાર કરવો.