શ્લોક : ૨૦૩

इति संक्षेप्तो धर्मा: सर्वेषां लिखिता मया ।

साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञेय एषां तु विस्तर: ॥ ૨૦૩ ॥

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ-ભાઈ સર્વે, તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, તે જે તે, સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે; અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. ॥ ૨૦૩ ॥

ભાવાર્થ

હવે શ્રીહરિ ધર્મોપદેશનો ઉપસંહાર કરતાં કહે છે : એ પ્રકારે, મારા આશ્રિત એવા ત્યાગીગૃહી-બાઈભાઈ સર્વે મનુષ્યોનાં જે સદાચારો તે, મેં સંક્ષેપે કરીને લખ્યા છે. અને આ ધર્મનો વિસ્તાર તો સંપ્રદાયના ગ્રંથો થકી જાણવો. અહીં સંપ્રદાયના ગ્રંથ એટલે શ્રીહરિએ પોતે જ રચેલ, તેમ જ સ્વાશ્રિતો પાસે રચાવેલ વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, ભક્તચિંતામણી આદિ ગ્રંથો સમજવા. કેમ જે, શ્રીહરિએ સ્વયં વચનામૃતમાં કહ્યું છે, "સંપ્રદાયના ઇષ્ટદેવનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેમણે જે જે ચરિત્ર કર્યાં હોય અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મપણ સહેજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવાપર્યંત ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે." અને શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં જે આઠ સચ્છાસ્ત્ર કહ્યાં છે, તેમાંથી ઉદ્ધવસંપ્રદાયના સાધુ, બ્રહ્મચારી ને ગૃહસ્થ સત્સંગીઓના ધર્મની વિક્તિ, તથા સાંખ્યયોગી બાઈ-ભાઈના ધર્મની વિક્તિ, તેમ જ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો પ્રાદુર્ભાવ, તેમનાં લીલાચરિત્ર, આચાર્યપદનું સ્થાપન તથા શ્રીહરિની અંતર્ધાનલીલા-એ વગેરેની વિક્તિ જાણી શકાય નહિ; માટે સત્સંગિજીવન આદિ શાસ્ત્રથી જ આ શિક્ષાપત્રીમાં કહેલા ધર્મનો વિસ્તાર જાણવો.