શ્લોક : ૧૦૫

हृदयत्स्थोऽणुसूक्ष्मश्चिद्रूपो ज्ञाता व्याप्याऽखिलां तनुम् ।

ज्ञानशक्त्या स्थितो जीवो ज्ञेयोऽच्छेद्यादिलक्षण: ॥ ૧૦૫ ॥

અને જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે, ને અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્યરૂપ છે, ને જાણનારો છે. અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખાપર્યંત સમગ્ર પોતાના દેહપ્રત્યે વ્યાપીને રહ્યો છે. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, ઇત્યાદિક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો. ॥ ૧૦૫ ॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે કે, જે જીવ છે તે હૃદયને વિષે રહ્યો છે, ને અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્યરૂપ છે, ને જાણનારો છે. અને પોતાની જ્ઞાનશક્તિએ કરીને નખથી શિખાપર્યંત સમગ્ર પોતાના દેહપ્રત્યે વ્યાપીને રહ્યો છે.

તે જીવાત્મા શ્રીજીમહારાજનું ધ્યાન કરવાથી જે દેખાય છે. તે શ્રીહરિએ કહ્યું છે:- સાક્ષાત્ ભગવાન જે હું, તે મારી મૂર્તિના ધ્યાનરૂપ એક અવલંબન વિના, બીજા કોટી ઉપાય કરવાથી પણ કોઈને આત્મા દેખાતો નથી, ને ભવિષ્યમાં પણ કોઈ દેખશે નહિ; જે મારો ભક્ત, મારા વચનમાં વર્તી અને પોતાને આત્મારૂપ માનીને જ્યારે મારી મૂર્તિનું ધ્યાન કરે છે, ત્યારે તેને મારી મૂર્તિ દેખાય છે અને પોતે પોતાના આત્માને પણ દેખે છે. જેવી રીતે બપોરિયાનો પ્રકાશ છે, તેવો જ આત્માનો પણ પ્રકાશ છે. અને આ જીવાત્મા પુરુષ નથી; તેમ જ સ્ત્રી પણ નથી. અને કોઈનો સંબંધી પણ નથી.

વળી જેમ ઈશ્વર તથા માયા અનાદિ છે, તેમ માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે; પણ જીવ પરમેશ્વરના અંશ નથી; એ તો અનાદિના જીવ જ છે. અને શાસ્ત્રોમાં જ્યાં જીવને ભગવાનના અંશ કહ્યા હોય તે તો ભગવાનના ગુણ તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિ જેમાં આવ્યા હોય તેવા એકાંતિક મુક્ત તેમને ભગવાનના ઐશ્વર્યાંશ કહ્યા છે, પણ અગ્નિમાંથી તણખા - વિસ્ફૂલિંગ ઝરે તેમ સમજવાનું નથી.