શ્લોક : ૨૧૧

विक्रमार्कशकस्याब्दे नेत्राष्टवसुभूमिते ।

वसन्ताद्यदिने शिक्षापत्रीयं लिखिता शुभा ॥ ૨૧૧ ॥

સંવત ૧૮૮૨ (અઢારસો બ્યાસી)ના મહા સુદિ પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે; તે પરમ કલ્યાણકારી છે. ॥ ૨૧૧ ॥

ભાવાર્થ

વિક્રમાદિત્ય જે સૂર્યના સરખો તેજસ્વી શકવર્તી 'વિક્રમ' નામક રાજા; તેનો 'શક' જે ધર્મનિબંધન-મર્યાદાકાળ; તેનું વર્ષ જે 'નેત્ર' = બે, 'અષ્ટ' = આઠ, 'વસુ' = આઠ અને 'ભૂ' = એક, તેણે કરીને માપ કરેલ છે જેમાં અંકોની ગતિ ડાબી છે; તેમાં, વૈષ્ણવોમાં પ્રસિદ્ધ જે વસંતોત્સવના દિવસો, તેનો પ્રથમ દિન જે વસંતપંચમીના દિવસે; પરંતુ વસંતઋતુના પ્રથમ દિને એમ નહિ; અર્થાત્ સંવત અઢારસો બ્યાસીના મહા સુદ પાંચમ (ઈ.સ. તારીખ ૧૨ ફેબ્રુઆરી, ૧૮૨૬) ને રવિવારે શ્રીહરિએ સર્વે જનોના આત્યંતિક કલ્યાણને કરનારી - એવી આ શિક્ષાપત્રી લખી છે.