૧૨. માનસી પૂજા
શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે અતિશય સ્નેહ વધે તે માટે માનસી પૂજા ઉત્તમ સાધન હોવાથી નિયમિતપણે ને ભાવપૂર્વક માનસી પૂજા કરવી.
શ્રીજીમહારાજની માનસી પૂજા દિવસમાં પાંચ વખત કરવી. પવિત્ર થઈ, પવિત્ર આસને બેસીને શ્રીહરિજીનો મહિમા વિચારવો. પોતાના આત્માને ત્રણ દેહ થકી જુદો માનીને પ્રતિલોમપણે પુરુષોત્તમરૂપપણાની ભાવના કરીને અથવા તેજરૂપ અક્ષરધામની સાથે એકપણાની ભાવના કરીને પોતાને વિષે વિરાજમાન શ્રીહરિજીનું ધ્યાન કરી, માનસી પૂજા કરવી.
(૧) સવારના પાંચથી સાત વાગ્યા સુધીના સમયમાં પ્રથમ માનસી પૂજા કરવી. યોગનિદ્રાથી સુખશય્યામાં પોઢેલા શ્રીહરિજીની સંતો-હરિભક્તો સ્તુતિ-પ્રાર્થના કરે છે ત્યારે શ્રીજીમહારાજ જાગૃત થઈ તકિયાનું ઓઠિંગણ દઈ વિરાજે છે. તેમનાં અંગોઅંગ અતિશય શોભે છે. શ્રીહરિજી નિત્યવિધિ કરવા પધારે છે. શૌચ કરી, આવેલા શ્રીહરિજીને જળ ને માટીથી હસ્ત-ચરણની શુદ્ધિ કરાવીને દાતણ આપવું. સુગંધી જલથી મુખ ધોવરાવવું. સુંદર બાજોઠ ઉપર શ્રીહરિજીને બેસારી, તેમનાં અંગોઅંગમાં અત્તર-સુવાસિત દ્રવ્યોથી મર્દન કરી, જળથી ભાવપૂર્વક નવરાવવા. ત્યાર બાદ ઉત્તમ વસ્ત્રો-આભૂષણો ઋતુ અનુસાર પહેરાવવા. અત્તર-કેસરચંદન લલાટને વિષે ચર્ચવું. સુગંધી પુષ્પના હાર, તોરા, ગજરા, બાજુબંધ ધરાવવાં. ધૂપદીપ અર્પણ કરવાં. સાકર- ઇલાયચી- કેસર- બદામ વગેરે નાખેલ ગરમ દૂધ પીવા માટે આપવું. દિવ્ય પકવાન નાસ્તા માટે ધરવાં. તે શ્રીહરિજી આરોગે છે ને હું પંખો નાખું છું ને સેવા કરું છું એવા ભાવથી શ્રીહરિજીને ધારવા. જમ્યા પછી જળપાન-મુખવાસ કરાવી પલંગ ઉપર વિરાજમાન કરવાં. તે વખતે મુક્તો પ્રસાદી જમીને શ્રીહરિજીની ચારેકોર બેસી દર્શન કરે છે, શ્રીહરિજી વાતોનું સુખ આપે છે. એ મૂર્તિનું હું દિવ્ય સુખ અનુભવું છું એવી ભાવના કરવી.
(૨) સવારે સાડા દસથી સાડા અગિયાર વાગ્યા સુધીમાં માનસી પૂજા કરવી. શ્રીજીમહારાજ દિવ્ય વસ્ત્ર-આભૂષણો ધારી દિવ્ય સિંહાસનમાં બિરાજ્યા છે. જમવાનો સમય થતાં શ્રીહરિજી સ્નાન કરી પીતાંબર પહેરી, શ્વેત વસ્ત્ર ઓઢી બાજોઠ ઉપર બિરાજે છે. સોનાના થાળી-વાડકામાં શ્રીહરિજીને વિવિધ પકવાન- ફરસાણ- શાક- દાળ વગેરે દિવ્ય ભોજન પીરસી પ્રેમપૂર્વક ગદગદ કંઠે આગ્રહ કરીને જમાડવા. સર્વે મુક્તો શ્રીહરિજીનાં દર્શન કરે છે. શ્રીજી જમીને તૃપ્ત થઈ સુગંધી જળપાન કરી મુખવાસ લઈ પલંગ ઉપર બિરાજે છે. શ્રીહરિજીનાં દર્શન, સ્પર્શરૂપ પ્રસાદ લઈ શ્રીહરિજીનું ધ્યાન કરવું.
(૩) બપોરે ચાર વાગ્યાના સમયે ત્રીજી માનસી પૂજા કરવી. યોગનિદ્રાથી દિવ્ય પલંગમાં પોઢેલા શ્રીજીમહારાજની ચારે તરફ મુક્તો બેસી દર્શન કરે છે. શ્રીહરિજી જાગૃત થતા મુક્તો ‘જય! જય!’ બોલી દર્શન કરે છે. શ્રીજીની મૂર્તિમાંથી તેજના તથા સુખના ફુવારા છૂટે છે. પછી મેં શ્રીહરિજીને જળનો પ્યાલો આપ્યો તેનાથી કોગળા કરી મુખશુદ્ધિ કરી શ્રીહરિજી જળપાન કરે છે. પછી લીલા-સૂકા મેવા તથા ઋતુ-અનુસાર ફળને અંગીકાર કરે છે ને સૌને પ્રસાદી આપે છે. ઋતુ મુજબ શ્રીહરિજી ઘોડે અસવાર થઈને નદીએ સ્નાન માટે કે ફૂલવાડીએ ફરવા પધારે છે. મુક્તો સાથમાં છે. શ્રીહરિજીની અદભુત લીલાથી સૌ અહો! અહો! ભાવને પામે છે. બાદ હું શ્રીજીની ચંદનપુષ્પથી પૂજા કરું છું ને શ્રીહરિજીનું દિવ્યસુખ અનુભવતો એ સ્વરૂપમાં થીજી જાઉં છું, એમ ભાવે કરી ધારવા.
(૪) સંધ્યા આરતી પછી ચોથી માનસી પૂજા કરવી. મહારાજાધિરાજ શ્રીજીમહારાજ દિવ્યશોભાએ યુક્ત દિવ્ય આસનમાં વિરાજ્યા છે. અનંત મુક્તો હાજર છે. હું શ્રીહરિજીની આરતી ઉતારું છું, મુક્તો દર્શન કરે છે. શ્રીજીની મૂર્તિમાંથી અતિશય સુખના બિંબ છૂટી રહ્યા છે. આરતી પછી શ્રીહરિજી સૌને છાતીમાં પોતાનાં ચરણારવિંદ આપે છે. મને પણ આપી ન્યાલ કરે છે ને અતિ રાજી થઈને મળે છે. પછી શ્રીહરિજી વાળુ કરવા બાજોઠ ઉપર બેસે છે. ખીચડી- કઢી- ભાખરી- શાક- દૂધ- ઘી વગેરે નૈવેદ્ય ધરેલાં દિવ્ય ભોજન શ્રીજી જમે છે. પછી ચળુ કરી જળપાન કરી મુખવાસ ગ્રહણ કરી પલંગ ઉપર બિરાજે છે. મુક્તો સૌ શ્રીજીના સુખમાં ગુલતાન છે ને હું પણ તેમાં સુખ લઈ રહ્યો છું.
(૫) શયન આરતી પછી છેલ્લી માનસી પૂજા કરવી. શ્રીજીમહારાજ સુંદર કઢેલું દૂધ, બદામની પૂરી, મગજ વગેરે જમી જળપાન કરે છે. ત્યાર બાદ શ્રીહરિ ગાદલું, ઓસીકાં ને ગાલમશૂરિયાં સહિત સુખશય્યામાં શયન કરીને યોગનિદ્રા અંગીકાર કરે છે. શ્રીહરિજી મારા હૃદયાકાશમાં પ્રેમરૂપ ઢોલિયામાં શયન કરી અક્ષરધામરૂપ મારા આત્મામાં જ અખંડ વિરાજમાન થાય છે. હું એ મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યો છું, અથવા સમીપે સેવામાં રહી પગચંપી કરું છું એમ ધારવું.
પાંચે વખતની માનસી પૂજા શ્રીહરિજીના મહિમાપૂર્વક પ્રેમથી અને પ્રત્યક્ષભાવે કરવી. યંત્રવત્ કે શુષ્ક મને ન કરવી. આવી રીતે પ્રેમપૂર્વક માનસી પૂજા કરનારા ઉપર શ્રીહરિજી ખૂબ પ્રસન્ન થાય છે.