૭. થાળ

જમો થાળ જીવન જાઉં વારી,

ધોવું કર ચરણ કરો ત્યારી;

જમો થાળ જીવન જાઉં વારી. ટેક.

બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી,

કટોરા કંચનની થાળી;

જળે ભર્યા ચંબુ ચોખાળી. જમો.

કરી કાઠા ઘઉંની પોળી,

મેલી ઘૃત સાકરમાં બોળી;

કાઢ્યો રસ કેરીનો ઘોળી. જમો.

ગળ્યા સાટા ઘેબર ફૂલવડી,

દૂધપાક માલપુવા કઢી;

પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી. જમો.

અથાણાં શાક સુંદર ભાજી,

લાવી છું તરત કરી તાજી;

દહીં ભાત સાકર છે ઝાઝી. જમો.

ચળુ કરો લાવું હું જળઝારી,

એલચી લવિંગ સોપારી;

પાનબીડી બનાવી સારી. જમો.

મુખવાસ મનગમતા લઈને,

પ્રસાદી થાળ તણી દઈને;

બેસો સિંહાસને રાજી થઈને. જમો.

કમરે કસીને ફેંટો,

રાજેશ્વર ઓઢીને રેંટો;

ભૂમાનંદના વ્હાલા ભેટો. જમો.