૬. 'ઉદ્ધવ સંપ્રદાય' ના 'દાસ' પદવીના સંતવર્ય કવિશ્રી રસિકદાસ કૃત ધ્યાનમાળા
દોહરો :
રહો સદા મમ ઉરમહીં, સહજાનંદ મહારાજ;
સકળ સુખનિધિ મહાપ્રભુ, સર્વ સુધારણ કાજ.
સદા તમારી સ્મૃતિ રહે, અખંડ ઉર એકતાર;
માગું એ વર શ્રીહરિ, દીજે ધર્મકુમાર.
પૂર્વછાયો :
મૂર્તિ મનોહર સ્વભાવ સુંદર, પ્રાણ સ્નેહી પ્રીતશું;
ધારી મનમાં મહાપ્રભુજી, વર્ણવું રસ રીત શું. 1
પદપંકજ શુભ બેઉની છે, વાલપ સુંદરતા અતિ;
કાંતિ કમળ અરુણ જેવી, નિત નવી મન લોભતી. 2
રસિક રેણુ સમાન સુંદર, રેખા ચિહ્ન ચરણકમળમેં;
તેમાં ભક્ત મન મધુકર, ભાવે શું નિશદિન ભમે. 3
પાનીની બે કોરે થઈને, અંગુઠા પાસ જે આંગળી;
ઊર્ધ્વ રેખા અતિ સુંદર, તેની બેઉ કોરે નીકળી. 4
જવ વજ્રને કમળ કેતુ, અંકુશ જંબુ અનુપ છે;
સ્વસ્તિ અષ્ટકોણ ચરણ જમણે, ચિહ્ન મહાસુખરૂપ છે. 5
કળશ શશીને વ્યોમ ધનુષ્ય, ગોપદ ત્રિકોણ મીન એ;
પરમ સુખદાઈ ચરણ ડાબે, સાત છે શુભ ચિહ્ન એ. 6
અંગુઠા આંગળી કમળ કળી, નખ મનોહર લાલ મણી;
અનુપ કાન્તિ કરણ શાન્તિ, શોભા અપાર છે તેહ તણી. 7
જમણા પગના અંગુઠાના, નખમાં કારણ સુખનું;
ચિહ્ન અનંત નિધિનું સ્થાનક, હરણ ભવ ભય દુઃખનું. 8
ઘૂંટી અનુપમ પિંડી પાતળી, નમણી નાજુક બેઉ નળી;
તે પર મોટાં બિંદુ જેવાં, ચિહ્ન મનોહર છે વળી. 9
જાનુ રૂપાળા જોયા જેવા, શોભા તે નવ જાય કહી;
વાલપ સુંદરતા અલૌકિક, સાથળમાં વળી છાંઇ રહી. 10
જમણા સાથળ બા'ર રૂપાળું, ચિહ્ન એક છે સોહામણું;
ડાબા સાથળ બા'ર બે ચિહ્ન, રૂપ અનુપમ તેહ તણું. 11
કટિ કામની વધુ વિલાસી, છબી અનંત સુખ રસ ભરી;
શ્વેત ખેસ પહેર્યો સુંદર, ચતુરાઈએ શું શ્રીહરિ. 12
ખેસ ઘસારાનાં કેડે રૂડાં, બે કોરે ચિહ્ન શ્યામ છે;
ઊંડી નાભિ ગોળ સર્વે, સુંદરતાનું ધામ છે. 13
મનોહર ત્રણ વળ પેટે, અનુપ કોમળતા અતિ;
વર્ણવતા શેષ શારદ હારે, પોં'ચે નહિ કોઈની મતિ. 14
હૃદય કમળ શુભ લંક રૂપાળો, તેમાં ચિહ્ન શ્રીવત્સનું;
લલિત નવીન શોભે જાણિયે, રૂડું એનું રૂપ રસનું. 15
ઉર વિશાળ છે છાતી ઉપડતી, અર્ધચંદ્ર જેવું એહમાં;
અતિ મનોહર ચિહ્ન છે એક, તિલ શોભાનિધિ તેહમાં. 16
રૂપરાશિ શુભ સ્તનમહીં, થોડાંક ઊંચાં તેહથી;
છાતિમાં છાપનાં ચિહ્ન સુંદર, તાણે તે ચિત્ત સ્નેહથી. 17
હસ્તકમળ બે હરિવરના, વાંચ્છિત સુખદાઈ જનને;
અરૂણતા શુભ વાલપ એની, મોહ પમાડે મનને. 18
તેમાં અનુપમ ગૂઢ રેખું, ઊંચી અંગૂઠા આંગળી;
રાતા નખ છે મણિ જેવા, જોતાં જાય ચિતડું ચળી. 19
કળાઈ બે ને બે બાજુ પર, ચિહ્ન મનોહર છાપનાં;
બિંદુ સમ ચિહ્ન શોભે કરપર, હરણ સર્વ સંતાપના. 20
ડાબા ખંભાની પાસ વાંસે, રોમે સહિત એક તિલ છે;
અનંત સુખ રહે છે એ ભેળાં, એવાં એનાં શીલ છે. 21
કંઠ છે કંબુ સમાન સુંદર, છબી મનોહર તેહની;
વદન કમળ દેખતાં જન, દશા ભૂલે દેહની. 22
રૂપાળી અતિ ચિબૂક છબી, કોમળતા કપોળની;
ભાળી મહાસુખ ઊપજે, હરે પીડા ભવ દુઃખની. 23
અધર રાતા રૂડા રસીલા, શોભિત ભીના સુધા રસે;
જોતાં જનમન તૃપ્ત થઈને, ત્યાંથી પાછું નવ ખસે. 24
દાડમ ને ડોલરની કળીઓ, એવી છે દંત પંગતી;
ઝાંખી કરે શશી જ્યોતને, તે તેજની કાંતિ અતિ. 25
જમણી કોરે હેઠલી દાઢ, પ્રથમમાં શ્યામ ચિહ્ન છે;
શ્યામ ચિહ્ન એક જીભ અગ્રે, તે ચિત્ત ચોર પ્રવીણ છે. 26
સુંદરતા સર્વ રૂપ રાશિ, નવરંગ છબી નાકની;
અધર ઉપર ઝૂકતી જેમ, બિંબ ફળ શુક તાકની. 27
નાક નજીક છે કપોળ જમણે, શ્યામ ચિહ્ન શોભાનિધિ;
મુખ પર ઝીણાં ચિહ્ન બિંદુ, શોભે છે તે અનંત વિધિ. 28
ચપળતા મીન મદ ગંજન, નૌતમ કમળ નેણની;
પાંપણ પતાકા પરમ હેતુ, શોભે મહા સુખદેણની. 29
નેણુંમાં શુભ રેખું રાતિ, કીકી કામણગારીયું;
જોતાં જન પરમાનંદ પામે, વિષય સુખ વિસારીયું. 30
ભ્રકુટિ કુટિલ જાણિયે, કરડી કમાન કામની;
અતિ સ્નેહે ચોટે તેહમાં, વૃત્તિ પુરુષ ને વામની. 31
હાસ્ય કટાક્ષ નલવટ રેખા, અર્ધચંદ્ર સમ થાય છે;
સુંદર ભાલ વિશાળ જોતાં, કોટિ કામ લજાય છે. 32
છબી અનુપમ શ્રવણ કેરી, જોતાં જગ રીત વીસણુ રે;
મહાસુખ પામી જનનું મન, તેમાંથી નવ નીસરે. 33
શ્યામ બિંદુ વામ કરણમાં, જન હેતુ હરણ ભવફંદનું;
કેશને પાસે ભાલ જમણે, ચિહ્ન છે એક આનંદનું. 34
ચોટી સુંદર રૂડી રસીલી, શીશ છે શોભા કેશની;
વર્ણવતાં નવ પોં'ચે મતિ, શારદ શેષ ગણેશની. 35
ઝીણા ઝીણા તિલ જેવાં, ચિહ્ન અંગો અંગ છે ઘણા;
રૂડાં રૂપાળાં જોયા જેવાં, સદન સુખ શોભા તણા. 36
સામુદ્રિકમાં જે ચિહ્ન કહ્યાં, સર્વે એ છે અંગે ઘનશ્યામને;
એકએક અંગ ઉપરે વારું, કોટિ કોટિક કામને. 37
કહ્યાં અંગ ચિહ્ન બુદ્ધિ પ્રમાણે, જોયેલ મારા નેણનાં;
હવે કહું છું જેમ છે તેમ, ચરિત્ર મહાસુખ દેણનાં. 38
રાત પાછલી મૂરત હોય, ત્યારે તે ઊઠે શ્રીહરિ;
દાતણ કોમળ આપે જન, લોટો સુંદર જળે ભરી. 39
દાતણ ઉપર આંગળી બે, આંગળી અંગૂઠો ધરે;
ચતુરાઈએ દાતણ ચાવી, પછી મુખ મંજન કરે. 40
દાતણ કરીને પાઘ બાંધે, છોગાં મેલી શિર પરે;
આંટો અનુપમ પેચ આણી, જન મન ચિત્તને હરે. 41
ડાબે ખંભે આડસોડે નાખી, ઓઢે શ્વેત દુશાલને;
પધારે બહાર મહાપ્રભુ લઈ, જમણે હાથ રૂમાલને. 42
ડાબે હાથ કેડે દઈને, જમણો હાથ હલાવતા;
વ્હાલા લાગે વાલમજી બહુ, સામા ચાલ્યા આવતા. 43
સહજ સ્વભાવે ઉતાવળી છે, ચાલ અતિ હરિવરની;
ઊભા રહેતાં સાથળે મારે, મૂઠી જમણા કરની. 44
ઇચ્છા હોય બેસવાની ત્યાં, સેજ બિછાવે જન લઈ;
જમણો ઢીંચણ પ્રથમ મેલી, બેસે સેજ ઉપર જઈ. 45
જમણી કોણી પડખું જમણું, બેઉ તકિયા પર ધરી;
બેસે અતિ રસ રિત શું, જન સુખકારી શ્રીહરિ. 46
તોરા હાર ગુચ્છ ગજરા બાજુ, ધરાવે જન લાવીને;
ફૂલ સુગંધી તે પર ભમરા, ગુંજારવ કરે આવીને. 47
હરિ બોલે સંત જન સામું, હાથે લટકાં કરતા;
નીસરે શબ્દ વદનમાંથી, રસ અમૃત ઝરતા. 48
સાંખ્ય યોગ અને ભક્તિ ધર્મ, વાતો જ્ઞાન વૈરાગ્યની;
કરે અનંત પ્રકારના વળી, કામ લોભ વિષય ત્યાગની. 49
તાળી પાડી કાં ચપટી વગાડી, સંત ભેળા કીર્તને;
ગાય અતિ રસ રીત શું, હરતા હરિજન મનને. 50
ક્યારેક માળા ફૂલ ફળ લઈ, રમાડે વળી ફેરવે;
આંગળીઓનાં આંક ગણે, વળી અંગૂઠાના ટેરવે. 51
શીતળ જાણી આંખે દાબે, લીંબુ પુષ્પ સુગંધ લીએ;
ક્યારેક છેડે રૂમાલને વળ, ચપટીએ કરીને દીએ. 52
ઓચિંતાના ઝબકી જાગે, કરતા ધ્યાન વિચારને;
વળી દાંતે જીભ દબાવે, ટેવ એ ધર્મકુમારને. 53
હરે હરે કહે બગાસું ખાતાં, મુખ આડી મૂઠી દીએ;
છીંકે તો મુખ આડો દેવા, રૂમાલને ખોળી લીએ. 54
ક્યારેક પગ બે હેઠા મેલી, ઢીંચણે બે કોણી ધરી;
હાથ બે કપોળે દઈને, બેસે જન સામા હરિ. 55
કયારેક બે હાથના જે અગર, આંગળીઓ તણા;
સામ સામા અડાડે હરિ, ક્યારેક મર્મ કરે ઘણા. 56
મર્મ કરે કાંઈ મોજ હોય તો, બહુ વદન વિકાસીને;
હસે અતિ ઉધરસ સોતા, અધર સુધા પ્રકાશીને. 57
લોટી જાય વળી સેજમાં, ઉધરસ સહિત હસતા;
હાથે કરી પેટ ઝાલી રાખે, રાજીપે રસબસતા. 58
ક્યારેક દબાવે શરીર પોતાનું, જાણવા જન જોરને;
ક્યારેક સર્વે શરીરે લઈને, કરાવે ચંદન ખોરને. 59
દાઢીએ હાથ દઈ ડોક મરોડે, કડાકા વાગે છે માંહીએ;
વળી કડાકા વગાડે હરિ, આંગળીઓની આંટીએ. 60
કામ હોય કોઈ જનનું ત્યારે, અંગૂઠા પાસે જે આંગળી;
તે હલાવી લીએ બોલાવી, કરી નેણ સાને વળી. 61
ક્યારેક શેલડી કેરી જમે, ભાવ જનનો જાણીને;
કયારેક ફળ કંદ ઓળા દાણા, જમે જીવન વખાણીને. 62
પ્રસાદી હાર દેવા વળી, સંત જન સામા ઘા કરે;
કોઈને હાથો હાથ આપે, કોઈના કંઠમાં ધરે. 63
એવાં ચરિત્ર અનંત ભાંતિ, કરે જનને ગમવા;
થાય પછી જમવાનું ટાણું, પધારે હરિ જમવા. 64
ચાલે આડી મીટે જોતા, મો'તા તે જનનાં મનને;
નાવા બેસે મહાપ્રભુજી, બાજોઠે ચંદનને. 65
પ્રથમ અત્તર ચોળીને જન, નવરાવે ઊને જળે;
જળ લોટા ભરી હાથ પોતાને, શિર ઢોળે હરિ તે પળે. 66
નાહીને ઊભા થઈ નીચોવે, સાથળ ઉપર પોતિયું;
અંગ લૂછી અલૌકિક રીતે, પેરે શ્વેત શુભ ધોતિયું. 67
શ્વેત ચાદર ઓઢે માથે, રાખી ઊઘાડા કાનને;
બેસે મખમલ ગાદીએ જઈ, હરતા મદન માનને. 68
ડાબા પગની પલાંઠી વાળી, તે પર ડાબો કર ધરી;
જમણી કોણી ઢીંચણે મેલી, જમે રસ રીતે કરી. 69
વારે વારે વળી રસિયો, જમતાં જમતાં જળ પીએ;
પાક શાક બહુ સ્વાદુ હોય તો, મન માન્યા જનને દીએ. 70
જમી ચળુ કરી ફેરવે પછી, હાથ પેટે ઓડકારતા;
રૂપા સળીએ દાંત ખોતરે, એલચી દાણા મુખ ધરતા. 71
પૂજા કરે જે જન તેને, ચરણ છાતી મુખ માથે દઈ;
જાય જમાડવા સંત જનને, હરિ અતિ પ્રસન્ન થઈ. 72
ડાબા ખંભાને ઉપર નાખી, બાંધી કેડે લઈ ખેસને;
સંત જન મહાસુખ પામે, નીરખી હરિવર વેશને. 73
પીરસવા સંત પંગતી માંહી, વાલમ વારંવાર ફરે;
લીયો મહારાજો લાડુ એમ, ઘેરે સાદે ઊચરે. 74
લાડુ જલેબી આદિ ભોજન, સંત જનને જમાડતા;
મહાપ્રસાદ કહી મુખમાં આપે, આનંદ અતિ પમાડતા. 75
'માથે મેલું હાથ લાડુ લીયોતો', એમ કહે પ્રસન્ન થઈ;
દૂધ દહીં ફેરવતા વળી, ઢોળે કોઈ સંત શિર લઈ. 76
હસતા હસતા હાથ ધૂએ, રસિયો રાજી થઈ અતિ;
પછી જાય પોઢવા સારુ, સુખસજ્યા પર શ્રીપતિ. 77
પોઢીને જાગે ત્યારે વળી, બહાર શ્રીહરિ આવીને;
મગાવે ઘોડી માણકી, સંત જનને બોલાવીને. 78
હરે નારાયણ એમ કહીને, બેસે ઘોડીએ શ્રીહરિ;
નાવા જાય જન મન મો'તા, છોગલાં સુંદર શિર ધરી. 79
ઘેલા માંહે ખળખળીએ જઈને, ઘોડી ઉપરથી ઊતરે;
હાથ ગ્રહી નિજ સખા કેરો, જળ મધ્યે પ્રવેશ કરે. 80
બળવંત જળ બહુ ઘેરા કેરું, ચડે માથે જેમ શેષફણી;
બેઉ ખભા પર છોળ્યું ચાલે, શોભા ન કહી જાય તેહ તણી. 81
જળ બિંદુ પડે મુખ ઉપર, તેની સુંદરતા અતિ;
છાતી મુખ છબી જોતાં પામે, મોહ કોટિ રતિપતિ. 82
કીર્તન ગાય જન સંગે વળી, હાથે ઉછાળે તોયને;
કંઈક જળમાં તણાય સંતજન, હસે વળી તે જોઈને. 83
બહુ રીતે એમ ક્રીડા કરીને, જળથી બહાર નીસરે;
કોરાં વસ્ત્ર પહેરીને અંગે, પછી ચડે ઘોડી ઉપરે. 84
લક્ષ્મીવાડીએ જાય વળી, રસિયો રમૂજ કરવા;
ઓટા ઉપર જઈને બેસે, જનનાં મન હરવા. 85
કેરી કેળાં નારંગી આદિ, ફળ તે જન આગે ધરે;
પુષ્પ આભૂષણ પહેરાવીને, પ્રેમે શું પૂજા કરે. 86
કીર્તન હાસ્ય વિલાસ એમ, રમૂજ કરી ઝાઝી ઘડી;
પછી પધારે ગામમાં હરિ, છેલ ચતુર ઘોડીએ ચડી. 87
ખગેશ મદહર માણકી, દોડાવે અતિ વેગે કરી;
પેચ શીથળ થાય પાઘના તે, ઝાલી રાખે હાથે હરિ. 88
ફરફરે તોરા માધ માંહી, લટકે સુંદર છોગલું;
શશી શોભા હરે કાંતિ, રૂડું લાગે તે છેટેથી ભલું. 89
એમ રમૂજ કરતા સજ્યા પર, બેસે હરિવર આવીને;
પ્રશ્ન ઉત્તર કરે પોતે, સંત સભા બોલાવીને. 90
સંત સરોદા સત્તાર દુકડ, વજાડી કરે ગાનને;
તે ભેળા કરે ગાન પોતે, મેળાવી સુંદર તાનને. 91
કથા કીર્તન વાત કરતા, સંત સમીપે આવી ખસી;
મન ગમતી મોજ આપે, સંતને અતિ હૈયે હસી. 92
સાંજે નારાયણ ધૂન કરે, ઘેરે સાદે બોલતા;
તાળી પાડી ઉતાવળી બહુ, રીત અલૌકિક ડોલતા. 93
વળી ઉત્સવ આવે ત્યારે, દેશ દેશના જન મળી;
લાવે અમૂલ્ય વસ્ત્રાભૂષણ, પહેરે પ્રાણજીવન વળી. 94
પાઘ બાંધે શિર સોનેરી, બનાવે પંક્તિ પેચની;
મેલે છોગલું તેમાં ઝળકતું, દાબે કાંતિ દિનેશની. 95
જામો જરીનો સુરવાળ સુંદર, નાડી જરીની લટકતી;
કેડે ફેંટો જરકશી વળી, ખંભે શેલું શોભે અતિ. 96
બાંયે બાજુબંધ મણિ જડિત, કલંગી તોરા શિર ધરે;
કાને કુંડળ મણિમય તે, ચંદ્રની કાંતિ હરે. 97
હેમકડાં બે હાથમાં, વેઢ વીંટી મણિમય ઝળહળે;
કોટે સોનેરી સાંકળ વળી, હાર મણિનો હીંડળે. 98
સાવ સોનેરી હીંડોળો તે, માથે શ્રૃંગ મણિતણા;
ચહુ કોરે જરી સમ રૂડા, મોતી પેર શોભે ઘણાં. 99
મણિતણો શિર મુગટ ધારી, ઝુલે હીંડોળે શ્રીહરિ;
કોટિક મદન મોહ પામે, મદ પોતાનો વીસરી. 100
હુતાસણી ને વસંત પંચમી, સંત જન સંગે તે સમે;
અતિ રાજી થઈને રસિયો, રંગભીનો રંગે રમે. 101
કેશર કેશુ આદિ રંગ બહુ, ઊડે ગુલાલની ડમરી;
હરિ હરિજન છબી શોભે, લાલ પીળા રંગે ભરી. 102
પિચકારી કર કંચન કેરી, ભરી રસિયો રસ રંગમાં;
તાકી તાકી મારે જનને, અલબેલો અતિ ઉમંગમાં. 103
જન સર્વે ચહુ કોરથી, પિચકારી ચલવે અતિ ઘણી;
રસબસ બહુ રંગે શોભે, મૂર્તિ ધર્મકુંવર તણી. 104
ગુલાબ ગોટા સંત જનને, મારે રસિક રાજી થઈ;
સંતને મુખે ગુલાલ ભૂંસે, હરિવર નિજ હાથે લઈ. 105
વળી ક્યારેક બાથમાં લઈ, સલૂણો સંતને મળે;
આપે સુખ નિત નવું જનને, પ્રાણજીવન પળે પળે. 106
એવા ચરિત્ર બહુ અનંતવિધિ, અપાર પાર કોઈ નવ લીયે;
બુદ્ધિ પ્રમાણે કાંઈ કહ્યું મે, જેમ સિંધુજળ ચકલું પીયે. 107
માળા અચળ સુખકરણ આ, રચેલ રસિકદાસની;
ગાય શીખે જે સાંભળે તેને, મટે પીડા ભવ ત્રાસની. 108
દોહરો :
આ માળા નિત નિયમથી
શીખે સુણે ધરી ચિત્ત;
પ્રિત થશે પરિબ્રહ્મમાં
સ્હેજે થશે જગજીત.