૪. આનંદ લહાણી (વિભાગ - ૧)
મુક્તરાજ સોમચંદભાઈ સં. ૧૯૭૫માં વાંટાવદરથી પાછા કરાંચી આવ્યા છે. પચીસ વર્ષની યુવાન અવસ્થા છે, પણ નેત્રની દૃષ્ટિ પલટાઈ ગઈ છે; સુદૃઢ શરીર, ને સહેજ શ્યામ પણ તેજસ્વી મુખમુદ્રા સૌ કોઈને આકર્ષી લે છે; મુખ ઉપર ગાંભીર્ય છે, પણ અંતરના આનંદની છોળો અંતરમાં છુપાવી છુપી ન રહેતા મુખ ઉપર વરતાઈ આવે છે; તેમની હાજરીમાત્રથી સાંનિધ્યમાં રહેલા સૌને અંતરમાં શાંતિ અનુભવાય છે. છાપખાનાની નોકરી ફરી ચાલુ થઈ જાય છે. તેમની કામ કરવાની ચીવટ, ખંત ને કાળજીથી માલિક શેઠ પ્રભાવિત રહે છે. સહકાર્યકરોને આનંદ - રમૂજ કરાવે છે ને જ્ઞાનગમ્મતથી પ્રસન્ન રાખે છે, ધીરે ધીરે છાપખાનાના કામમાં નિષ્ણાત બની જાય છે. એક - એક કરતા અઢાર માણસો એમના હાથ નીચે કામ કરતા થાય છે.
પરંતુ સોમચંદભાઈ આજીવિકા કમાવાના હેતુથી નોકરી કરવા માટે કરાંચી નથી આવ્યા. નોકરી નિમિત્તમાત્ર છે. એ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના કારણ સત્સંગના પ્રસાર માટે કરાંચી આવ્યા છે. છાપખાનાની નોકરીના સમય પછીના સમયમાં કરાંચીમાં રહેતા હરિભક્તો પાસે કથાવાર્તા કરે છે, ને સૌને સાચા જ્ઞાનની પુષ્ટિ કરાવે છે. મોટેરા હરિભક્તોની પાસે સોમચંદભાઈ નવી નવી વાતો રજૂ કરે છે. નાનાં બાળકોમાં ધર્મના દૃઢ સંસ્કાર પાડ્યા હોય તો તેને આખી જિંદગી કામ આવે ને તેનો બેડો પાર થઈ જાય એ માટે રાત્રે-રાત્રે બાળકોને સદ્વર્તન, શ્રીહરિના માહાત્મ્ય, વગેરેની વાતો કરી કથા, કીર્તન, ધૂન્ય વગેરે શીખવે છે. એ વાતને સૌ હરિભક્તોએ અતિ હર્ષ ને ઉત્સાહપૂર્વક વધાવી લીધી. આ કાર્ય માટે સોમચંદભાઈથી ઉત્તમ શિક્ષક કોણ મળે ? પોતે તો એ જ કરવા આવ્યા હતા. પોતાની ઓરડીમાં જ રાત્રિશાળા શરૂ કરી.
જેમ જેમ રાત્રિશાળાની પ્રવૃત્તિ ફૂલીફાલી તેમ તેમ નોકરીની નિયમિતતા ઉપર અસર થવા માંડી. છાપખાનાનું એક કામ સમયસર થાય નહિ તો આગળનાં બીજાં કામ અટકી પડે અને છાપખાનાના માલિક મૂંઝાય. શેઠે એવું અનુભવ્યું હતું કે સોમચંદભાઈ નોકરીમાં જોડાયા ત્યાર બાદ છાપખાનાની કાર્યક્ષમતા વધી હતી, શિસ્તબદ્ધ કામ થતું હતું, એમની હાજરીથી જાણે નવાં નવાં, ન ધારેલાં કામો છાપખાનામાં આવતાં થયાં હતાં, આથી સોમચંદભાઈની હાજરી એમને બહુ ઉપયોગી લાગતી. તે છતાં તેમની કામમાં અનિયમિતતા શેઠને અકળાવે. કામ પર હાજર હોય ત્યારે ઝડપભેર કામ ઉકેલે, પણ કામ પર આવશે કે કેમ તે જ નક્કી ન કહી શકાય ! શેઠ મૂંઝાયા. એક વખત સોમચંદભાઈને બોલાવીને કહે : ‘‘તમારે અન્ય પ્રવૃત્તિ રહે છે તેથી નોકરીમાં મુશ્કેલી પડે છે. તમે એમ કરો કે તમારું કામ કોઈ બીજાને સોંપો, એટલે કામ અટકી ન પડે, તમારી નોકરી ચાલુ. તમો હાજર હો ત્યારે મદદ કરવાની.’’ શેઠના આટલા ઉત્તમ સહકારથી સોમચંદભાઈ અતિશય રાજી થયા. તેમણે શેઠની સલાહ સ્વીકારવા માટે શરત મૂકી. તેઓ કહે : ‘‘શેઠ ! તમારી વાત હું એક જ શરતે સ્વીકારી શકું. તે શરત એટલી કે મારો પગાર ઓછો કરો ! મારાથી હું કામ કરું તે કામના પ્રમાણમાં જ પગાર લેવાય. જો એમ ન લઉં તો પ્રભુના ગુનામાં આવી જાઉં ! આપના ઉત્તમ સહકાર બદલ આભાર. સાથે મારી આટલી વિનંતી સ્વીકારો !’’ સત્સંગપ્રવૃત્તિ કરવા માટે શ્રીહરિજીએ તેમને અનુકૂળતા કરી આપી.
હવે રાત્રિશાળાની પ્રવૃત્તિ બરાબર જામી. સોમચંદભાઈની ઓરડીમાં સમાય નહિ તેટલાં બધાં મોક્ષભાગીઓ ભેગા થવા માંડ્યા. ઓરડીની પાછળ મોટી જગ્યા મળી આવી, તે ભાડે રાખી, ત્યાં શ્રીજીની સભાની પટની મૂર્તિ પધરાવી. આ જગ્યા આત્યંતિક કલ્યાણની પાવનકારી પરબ બની રહી.
સોમચંદભાઈનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યપૂર્ણ હતું કે જે વિદ્યાર્થી એક વાર તેમની વાત સાંભળવા આવ્યો તેને તેમનાં દર્શન-સમાગામ વિના ચેન જ ન પડે ! જેને જે રીતે પથ્ય પડે તે રીતે વાત કરે. રમૂજી ટૂચકા સંભળાવે. શ્રીહરિજી અને મોટા મુક્તોના જીવનના પ્રસંગોની રસલહાણ કરે. કીર્તન બોલવા માંડે ત્યારે જાણે મદારીની મોરલી વાગી ! વિદ્યાર્થીઓના મન ડોલી ઊઠે ! પણ એ કેવળ સાત્વિક આનંદ ન હતો, એ તો દિવ્ય આનંદનો વિરલ અનુભવ હતો. સૌને નાના-મોટા પ્રસંગોથી શ્રીહરિજીના દિવ્ય સ્વરૂપમાં જોડવાની વાત. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી સર્વે ક્રિયા કેવી રીતે કરવી તેની અનુભવસિદ્ધ પ્રક્રિયા એ હતી. તે સાથે દરેકે દરેક વિદ્યાર્થીમાં શિસ્ત, ને સંઘભાવનાનું આયોજનપૂર્વકનું ઘડતર પોતે કરતા.
ઉત્તમ શિલ્પીના ટાંકણા-હથોડાની કારીગિરીથી પથ્થરની શીલા લલિતકલાકૃતિ બની જાય છે, તેમ સાવ સામાન્ય મુમુક્ષુના જીવનમાં સોમચંદભાઈના દિવ્ય સંસ્કાર વડે એવું પરિવર્તન આવતું ગયું કે જીવનમાં મહામહેનતે પણ ન પમાય એવી દિવ્ય સ્થિતિ તરફ ચૈતન્યની ગતિ થવા લાગી.
ફૂલ ખીલે ત્યારે ભમરાને આમંત્રણ મોકલવું પડે નહિ ! ભમરા તો તેની સુગંધથી ખેંચાઈ જ આવે ! વિદ્યાર્થીઓના જીવનમાં પૂરાતી રંગરંગીલી રંગોળીની છાંટ વડીલો ઉપર પણ પડી. ધીરે ધીરે વડીલોને ને મોટેરા હરિભક્તોને પણ લાગ્યું કે આ કાંઈ કેવળ નાનાં છોકરાંઓને લાભ લેવાની વાત નથી, પણ આપણે ય અહીંથી મેળવવાનું છે. દિવ્ય આનંદની રસલહાણમાં સૌ ભેગા મળી ગયા. સૌને અમૃતના ઓડકાર ! મોટા મોટા મુક્તો-હરિભક્તો ભેગા મળે. લાલુભાઈ, મહાદેવભાઈ, ગોરધનભાઈ, ઠાકરશીભાઈ, ગોવિંદજીભાઈ, કાળીદાસભાઈ, વલ્લભદાસભાઈ, અમરશીભાઈ, લોકામલભાઈ, હીરામલભાઈ, સાંવલદાસભાઈ, ગોપાળજીભાઈ, વાલજીભાઈ, જાદવજીભાઈ, લીલાધરભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, તુલસીદાસભાઈ, હરિભાઈ, ઉમરભાઈ, મગનભાઈ, પ્રભાશંકરભાઈ - આદિ એકરુચિવાળા અનેક મુક્તો ભેગા મળે. રાત્રિશાળા તો આત્યંતિક કલ્યાણની સુખદાત્રી બની રહી. નિત્ય સમૈયો ! ઝીલણિયાં કીર્તનો ને રાસ-ઉત્સવમાં દિવ્યતા વ્યાપી જાય ! પ્રસાદીના તો ઢગલા ! ફળફૂલ ને મેવા-મીઠાઈ ! હરિભક્તબાઈઓ પણ સેવાયજ્ઞમાં હેતથી જોડાય. અર્ધીરાત્રે લોટ દળાય, ચૂલા ચેતે ને પ્રસાદીની સેવા કરવા સૌ ખેંચાય પરસ્પર દિવ્ય એકતા, પ્રેમભાવ, મહિમાનું વાતાવરણ જોતાં અક્ષરધામ અને મધ્યસ્થ પ્રગટપ્રમાણ શ્રીહરિ સાક્ષાત્ બિરાજમાન છે એવા ભાવે સહિત સૌ આનંદપૂર્ણ જણાતા.
રાત્રિશાળાની સમગ્ર પ્રવૃત્તિ સોમચંદભાઈની દિવ્ય પ્રતિભાથી રંગાયેલી હતી. દોરીના એક સૂત્રથી જેમ માળાના મણકા પરોવાય છે, તેમ કરાંચીના નાના-મોટા હરિભક્તો-મુક્તો સોમચંદભાઈની દિવ્ય પ્રતિમાના સૂત્રથી બંધાયેલા હતા. સૌને એમ જ લાગે કે સોમચંદભાઈ અમારા નજીકમાં નજીકના સ્વજન છે. વ્યવહારની કાંઈ ગૂંચ હોય કે આધ્યાત્મિક કાંઈ અડચણ હોય, તો પૂછવાનું ઠેકાણું સોમચંદભાઈ. સૌને દિવ્યહેત - વાત્સલ્યથી તરબોળ કરે.
એમ કરતા સં. ૧૯૭૯ની સાલ આવી. મૂળીમંદિરના શતવાર્ષિક પાટોત્સવ નિમિત્તે અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી વસંત પંચમીએ મૂળી પધાર્યા, ને અનંત જીવોને શ્રીજીની મૂર્તિમાં જોડવા રૂપી બ્રહ્મયજ્ઞ થયો. સર્વત્ર જયજયકાર થયો. અનેક પ્રેમી હરિભક્તોના પ્રેમને વશ થઈ અબજીબાપાશ્રી ગુજરાત-સૌરાષ્ટ્રના ગામેગામ પધાર્યા, સૌએ અપૂર્વ લાભ લીધો. તે વખતે કરાંચીના હરિભક્તોને પણ અંતરમાં તાણ થઈ કે બાપાશ્રી કૃપા કરીને કરાંચી પધારે તો અનેકને અલભ્ય લાભ મળે, ઘેર બેઠા આત્યંતિક કલ્યાણની ગંગા મળે ! તેથી કરાંચીથી અ. મુ. લાલુભાઈ, સાંવલદાસભાઈ, ગોવિંદભાઈ, ગોવર્ધનભાઈ આદિ મોટેરા હરિભક્તો સાથે સોમચંદભાઈ, બાપાશ્રીને પ્રાર્થના કરી કરાંચી તેડી લાવવા અમદાવાદ આવ્યા. આ સૌ મુક્તો તો અબજીબાપાના હેતવાળાં સ્વજનો. એમને રાજી કરવા સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, સ્વામી દેવજીવનદાસજી, સ્વામી મુક્તવલ્લભદાસજી આદિ સંતમંડળ તથા દલસુખભાઈ, મોહનભાઈ તથા અનન્ય સેવક આશાભાઈ વગેરે મુક્તમંડળ સાથે બાપાશ્રી રેલવેમાર્ગે અમદાવાદથી કરાંચી પધાર્યા.
અમદાવાદથી ચાલતી વખતે કરાંચીના હરિભક્તો ઉપર તાર કરેલો કે બાપાશ્રી કરાંચી પધારે છે, તેથી હજારો હરિભક્તો ફૂલના હાર અને વાહનો લઈને સ્ટેશને સામા આવ્યા હતા. બાપાશ્રી અને સંતોને લઈને ગાડી સ્ટેશને આવી પહોંચતા સૌએ દંડવત્ કરી, ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી, ફૂલના હાર પહેરાવ્યા ને આખું સ્ટેશન હરિભક્તો તથા મુમુક્ષુઓથી ઊભરાયું. સોમચંદભાઈના માર્ગદર્શન નીચે નાનાં સત્સંગી બાળકોનું મંડળ બાપાશ્રી અને સંતોની મોટરની આગળ ગોઠવાઈ ગયું હતું. તેમની આગળ બે બાળકો ‘‘હે પ્રભુ ! ધર્મની રક્ષા કરો’’ એવો કાપડ ઉપર સોનેરી શબ્દોથી લખેલો વાવટો લઈને ચાલતા હતા. ઉત્સવિયા હરિભક્તોની મંડળીઓ ઉચ્છરંગથી કીર્તનો ગાતી હતી. સૌના અંતરમાં હેત ને આનંદ ઊભરાતો હતો. બાપાશ્રી પણ સૌના ઉપર કૃપાદૃષ્ટિ કરતા મોક્ષની લહાણી કરતા હતા. બાપાશ્રી તથા સંતમંડળ કરાંચીમાં દસ દિવસ રહ્યા તે દરમિયાન સૌ હરિભક્તોએ એવો તો લહાવો લીધો કે સૌનાં ભાગ્ય ઊઘડી ગયાં. જેમને જે જે મનોરથ હતા તે સૌ પૂરા થયા.
લાલુભાઈ, મહાદેવભાઈ, સાંવલદાસભાઈ, હીરાભાઈ, આદિ સર્વે મુક્તમંડળે બાપાશ્રીની સેવાનો અલભ્ય લાભ લઈ બાપાશ્રીને હેત કરીને ભીંજવી દીધા. બાપાશ્રીની ઘેરઘેર પધરામણી કરાવરાવી. સૌના મનોરથ પૂરા કરવા સોમચંદભાઈ બાપાશ્રીને પ્રાર્થના કરે, બાપાશ્રી પણ રાજી થઈ સૌને મોક્ષનાં વરદાન આપી એ પ્રાર્થના સ્વીકારે. બાપાશ્રીનું પણ એ જ કામ કે કઈ રીતે વધુ ને વધુ જીવો શ્રીહરિજીના સ્વરૂપમાં જોડાય, ને મુક્તમંડળ પણ બધાં મોક્ષભાગી જીવોને પકડી પકડી લઈ આવે. આમ મોક્ષના વાસંતી વાયરા ૧૯૭૯ના ફાગણ માસમાં કરાંચીમાં મન મૂકીને વાયા.