આપણું બેસતું વર્ષ : ૭
શ્રી ઘનશ્યામ પૂરણ કામ, અક્ષરધામ જે હરિ રાજતા;
નરદેહરૂપ નવીનધારી, પુર છપૈયે બિરાજતા.
પિતા ધર્મ ને માત ભક્તિ, ભ્રાત રામપ્રતાપ છે;
ભાઈ નાના શ્યામ હરિના, નામ ઇચ્છારામ છે.
એ ધર્મકુળ પરિવારમાં, ભૂતળ ધર્મને સ્થાપવા;
પ્રગટ્યા પ્રભુ સર્વોપરી, સુખ દિવ્ય અલૌકિક આપવા.
ભુવન વર્ષ અગિયાર રહીને, બાળ લીલા બહુ કરી;
વન વિકટ સાત વર્ષ ફર્યા, નીલકંઠ મૂર્તિ માધુરી.
જીવ અનંતને ઉદ્ધારવા, હરિ મોક્ષ કરવા કારણે;
ધર્યું નામ સહજાનંદ સ્વામી, પામર પતિત જન તારણે.
શ્રી સ્વામિનારાયણ સ્વયં, પ્રભુ સર્વ કારણ શ્રીહરિ;
એ જ્ઞાન સૌને આપવા, રીત નવીન અદભુત આદરી.
સંપ્રદાય ઉજ્જવળ સ્થાપિયો, સંત અનંત સંગે બતાવિયા;
પ્રથમ વ્રત કરડાં ચલાવી, એ મુક્તને પણ તાવિયા.
દિવ્ય સુખ અલૌકિક આપવા, પછી સર્વ પર કરુણા કરી;
દેશવિદેશમાં વિચરણ કર્યું, ન્યાલકરણ પ્રભુ એ શ્રીહરિ.
એ મૂર્તિ આનંદ કંદની, અખંડ દિવ્ય ધામે રહે;
પુર છપૈયે પ્રગટ થયા તે, મૂર્તિ રૂપે સૌ કહે.
એ સ્વરૂપ ત્રણે એક છે, ફેર રોમનો જેમાં નહિ;
શ્રીમુખ વચનામૃત વિષે, એ વાત સૌ જનને કહી.
: જય શ્રી સ્વામિનારાયણ :