પત્ર : ૧૧૮

સદગુરુ ભગવત્સ્વરૂપદાસજી સ્વામીને આપણે બધાએ સેવ્યા અને અમદાવાદમાં રહેતા ઠક્કર ડૉક્ટરના ભાઈ નારાયણભાઈએ સેવ્યા, આપણે કેમ એમના જેવી અંતર્દૃષ્ટિ રાખી શકતા નથી ? તેનું કારણ આપણે પોતે જ છીએ. ઉપરની પ્રસન્નતાએ પૂર્ણ માની બેઠા. એમને તો પોતાની સ્થિતિમાં વધુ ને વધુ કૃપા મેળવી. અત્યારે તેઓ પણ કહે છે કે સદગુરુ ભગવત્સ્વરૂપદાસજી સ્વામીની કૃપાનો આ પ્રતાપ છે. અને આપણે કહીએ છીએ ઘાટ-સંકલ્પ કેમ થાય છે ! એ ઘાટ સામે લડાઈ લેતા નથી. લડાઈ લેવામાં આત્મામાં બળ જોઈએ, પાછી વૃત્તિ જોઈએ, ધ્યાન-ભજનનો આગ્રહ જોઈએ, મોટાની સહાયતા જોઈએ, પોતાને જાણપણું જોઈએ. જેમ ઘરમાં કોઈ બિલાડું, કૂતરું આવે તો તુરત ઊઠીને દોડીને કાઢી મૂકીએ છીએ, જો ગાફલતા રાખીએ તો નુકસાન થાય એમ જાણીએ છીએ તો એ કામમાં કોઈની સહાયતા માગતા નથી. એમ જેને બાપાશ્રી તથા સદગુરુઓ મળ્યા, તેમણે તો મોટાની કૃપા મેળવી બહુ બળિયા થઈ જવું જોઈએ, જેથી સદાય આનંદમાં રહી શકાય.