ગઢડા છેલ્લું : ૨૧
અમારા સંબંધે સહિત જે નિવૃત્તિ ને પ્રવૃત્તિ ધર્મ તે ભાગવત ધર્મ છે તે ધર્મ ને ભક્તિ એ બે એક જ છે. એ ધર્મ સ્થાપન કરવાને અર્થે અમે પ્રગટ થયા છીએ તે ભાગવત ધર્મે કરીને જીવ અમારા ધામને પામે છે. કેવળ વર્ણાશ્રમ ધર્મનું ફળ નાશવંત છે. અમને વન, પર્વત, જંગલમાં રહેવું ગમે છે તો પણ અમારા ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ ને અમારા ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી તે નિવૃત્તિ જાણીએ છીએ. અમારા ભક્તનો અલ્પ દોષ જોઈને અવગુણ ન લેવો અને મોટા વર્તમાન ચૂકે ત્યારે અવગુણ લેવો. અમારા ભક્તને વાદે કરીને જીતે તે પંચમહાપાપીથી વધુ પાપી છે. અમારા ભક્તનું ઘસાતું બોલે તે અમને દીઠો ગમતો નથી. અમારા ભક્તનો અવગુણ લે તેના હાથનું અન્નજળ ભાવે નહિ. દેહના સંબંધી સાથે હેત ન રાખવું, સત્તારૂપ થઈને અમારી સાથે હેત કરવું જે સત્તારૂપ નહિ રહી શકે તેને કામાદિક સાથે હેત કરવું, જે સત્તારૂપ નહિ રહી શકે તેને કામાદિક શત્રુ પીડશે. અમારા દિવ્ય અક્ષરધામને વિષે અમારા પાર્ષદ છે તેથી અધિક આ સત્સંગી એટલે આ ગોપાળાનંદ સ્વામી છે. જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ અતિ દૃઢ નહિ હોય તે અંતે, ઢીલો પડશે તો પણ અમે તેનો ત્યાગ કરતા નથી પણ એ જ એની મેળે સત્સંગમાંથી પાછો પડી જાય છે. અને જે દૃઢ સત્સંગી છે તેના ભેળુ આંહીં તથા અક્ષરધામમાં રહેવું એવો નિશ્ચય રાખવો. (૨૫૫)