પત્ર : ૧૦૮

દાણા થાય ને દાણા તજાય તે તો સાવ ન શોભે તેવી સ્થિતિ ગણાય. ઘરમાં છોકરાં ભૂલ કરે તેને પણ જેમ બને તેમ યુક્તિએ સમજાવી તેવા અલ્પ ગણાતા કાર્યને શ્રીજી તથા મોટાની પ્રસન્નતાના વિરોધરૂપ ગણી તજાવવા જોઈએ. હંસ ને બગ દેખવામાં બરાબર, ચારામાં ફેર, તેમ કાગડા-કોયલનું શબ્દમાં સમજાય, રૂપમાં નહીં, તેમ ભક્ત-અભક્તમાં ફેર દેશકાળે સમજાય. શૂળીએ ચડાવે ને મહારાજ પાસે ઊભા દેખાય તોય મને કેમ છોડાવતા નથી તેવો સંકલ્પ કરવા સુધીની છૂટ નથી. જે તેમના થઈ રહ્યા હોય તેને; બીજાને તો મનગમતી ભક્તિ કરવાની હોય, તેની ભક્તિ ક્યાં ભગવાન અંગીકાર કરે છે ? માટે આપણે શૂરવીરપણું રાખવું. મહારાજ પાસે તો એ જ માગવું : હે બાપ દયાળુ ! તમારી જેમ મરજી હોય તેમ આ લોકમાં અમને રાખજો, પણ તમારી મૂર્તિ ને મુક્ત તેમાં મનુષ્યભાવ ન આવે તેવી દયા કરજો, એમ માગવું. આ લોકમાં તો લાકડાના લાડુ છે. તે રીતમાંથી આપણને મહારાજે ઉગારી પોતાની ઓળખાણ કરાવી છે તો તેને સંભારી સુખિયા રહેવું.

‘‘સગાં કુટુંબી સર્વે સંગાથે, હેતડલું પરહરવુંરે;

કોઈથી ન ડરવું, કાનુડા કેડે ફરવું.’’

તેમ મોટા મોટા તે મહાપ્રભુજીને વર્યા, તેમ આપણે હાલતા-ચાલતા, ખાતા-પીતા, વેગ લગાડી દેવો.